સુરતમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે જ શહેરમાં કોરોના કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ત્યારે સરકાર દ્વારા અનલોક-1ને લઇ ગાઇડલાઇન બહાર પાડી છે. ત્યારે ભાજપની જ નગર સેવિકા નિયમોનો ભંગ કરતી જોવા મળી નગર સેવિકાએ જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં લગભગ 100 જણા ભેગા થયા હતા. આ પાર્ટીમાં બીજેપીના ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા. જેમાંથી 4 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇ તંત્ર દોડતું થયું છે
4 લોકોના રિપાર્ટ પોઝિટિવ

સુરતના બમરોલી વિસ્તાર નગર સેવિકા (કોર્પોરેટર) ગીતાબેન રબારીએ પહેલી જૂનના રોજ તેમના જન્મ દિવસે એક ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. લોકોને એકત્ર નહીં થવાની સૂચના છતા 100 લોકો ભેગા થયા હતા સાથે જ ભાજપના અનેક આગેવાનો પણ તેમના જન્મ દિવસની પાર્ટીમાં હાજર રહ્યા હતા. જોકે, હવે પાર્ટીમાં આવેલા મહેમાનોમાંથી 4 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વિશેષ સત્તાના જોરે છૂટ મળી જાય છે?

ત્યારે સરકાર ઘ્વારા નિયમોનુ પાલન નહિ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે તો નગર સેવિકાના આવા તાયફા સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી? શું નગર સેવિકા હોય તો તેને કોઈ વિશેષ સત્તાના જોરે પાર્ટી કરવાની છૂટ મળી જાય છે? નગર સેવકોએ લોકોને નિયમોનું પાલન કરાવવાનું હોય છે તેના બદલે તેઓ જ નિયમ તોડે તો શું તેમની સામે કડક કાર્યવાહી ન કરવી જોઈએ?

હાલ આ મામલે મોટો વિવાદ ઊભો થયો છે. ચાર કેસ પોઝિટિવ આવતા હાલ તંત્ર તરફથી પાર્ટીમાં હાજર લોકોની માહિતી મેળવવામાં આવી રહી છે. બીજી તરફ પાર્ટીમાં હાજર રહેલા 50 જેટલા લોકોને હોમ ક્વૉરન્ટીન પણ કરી દેવામાં આવ્યાની માહિતી મળી છે.
નોંધનીય છે કે સરકારે લગ્ન પ્રસંગે પણ 50થી વધારે લોકો એકત્રિત થવા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે નગર સેવિકાની જન્મ દિવસની પાર્ટીમાં 100થી વધારે લોકો કઈ રીતે એકઠા થવા દેવાયા તે એક મોટો સવાલ છે.
આ પણ વાંચો : સુરત : પહેલા 1000 કેસમાં 54 દિવસ અને બીજા 1000 કેસમાં લાગ્યા માત્ર આટલા દિવસ
