સુરતમાં કોરોના બેકાબુ બનતો દેખાઈ રહ્યો છે. એવામાં ગઈકાલે એટલે 17 જુલાઈના રોજ કેન્દ્રની નીતિ આયોગ(NITI Aayog)ની ટીમ અને દિલ્હી AIIMSની ટીમ સુરત આવી પહોંચી હતી. જેમાં ટીમમાં નીતિ આયોગના સભ્ય વિનોદ પાલ, ICMR ના ડીજી ડોક્ટર બલરામ ભાર્ગવ, એઇમ્સના ડાયરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયા અને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતીબેન આહુજા આવી પહોંચ્યા હતા. કેન્દ્રની ટીમે સુરતની પરિસ્થિતિ સમીક્ષા કરી હતી અને કોરોનાને કઈ રીતે કાબુમાં લેવાનો એ અંગે સૂચનો પણ કર્યા હતા.
ઈન્જેક્શનની અછતને લઇ થઇ ચર્ચા
તેમણે સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં ડોક્ટર એસોસિએશન, કોવિડ હોસ્પિટલના તબીબો નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના ડીન, તબીબી અધિક્ષક સહિત નર્સિંગના વડાઓ સાથે બેઠક કરી હતી. જેમાં ઇન્જેક્શનની અછતને લઇ પણ ચર્ચા થઇ હતી. જે અંગે તેઓએ જણાવતા કહ્યું હતું કે, દર્દીને ઇમ્યુનિટી ઓછી હોય તેવા કેસમાં ઇન્જેક્શનની જરૂર હોય છે. જો ઇમ્યુનિટી વધુ હોય ત્યારે આ ઇન્જેકશનની કોઈ જરૂર નથી. સુરતમાં હોસ્પિટલ બની જતાં સુવિધા વધશે અને પરિસ્થિતિમાં ઝડપથી ફેર પડશે। આ ઇંજેક્શન વિદેશમાં બનતું હોવાથી તેની અછત વર્તાઈ રહી છે. પણ આગામી બે ચાર દિવસમાં તેની અછત દૂર થશે. અને સરળતાથી તે ઇન્જેક્શન ઉપલબ્ધ થઇ શકશે. અને ઇંજેક્શન માટેની ગાઈડલાઈન પણ બદલવામાં આવશે.
વ્યવસ્થાને લઇ સ્થાનિકો સાથે ચર્ચા
નીતિ આયોગની ટીમની સાથે આવેલા ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતીબેન આહુજાએ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ડિંડોલી ખાતે આવેલી રામીપાર્ક અને અંબિકાપાર્કની મુલાકાત લીધી હતી. અને વ્યવસ્થાને લઇ સ્થાનિકો સાથે ચર્ચા પણ કરી.
આગામી દિવસ સુરત માટે કપરા
એઈમ્સના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સુરતમાં કેસો ઘટશે. પરંતુ તે પહેલાના દસ દિવસ સુરતીઓ માટે ખૂબ કપરા હોવાના ઈશારો કર્યો હતો. તેમને આ દસ દિવસ કાળજી રાખવા માટે અપીલ કરી હતી. આ દસ દિવસમાં શહેરમાં કોરોના સંક્રમણ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. પણ જો લોકો સાવચેતી રાખશે તો આ દસ દિવસ બાદ શહેરમાં સંક્રમણની સંખ્યામાં મોટો ઘટાડો જણાશે.
વધારેમાં વધારે દર્દીઓએ પ્લાઝમા ડોનેટ કરવું
એમ ડો.ગુલેરિયાએ પ્લાઝ્મા ડોનેટ અંગે જણાવતા તેઓએ કહ્યું કે, પ્લાઝ્મા ડોનરો કોરોનાના દર્દીઓ માટે સંજીવનીનું કામ કરી શકે છે. જેનામ પર્યાપ્ત માત્રામાં એન્ટી બોડી હોય એવા સારા થયેલા દર્દીઓ પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે. શરીરમાં પૂરતાં પ્રમાણમાં એન્ટી બોડી હોય તો જ પ્લાઝ્મા કામ લાગે છે. માટે પહેલાં બ્લડ ટેસ્ટ કરી શરીરમાં એન્ટી બોડીનું પ્રમાણ ચકાસવામાં આવે તે પણ જરૂરી છે.
તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે, લોકોએ રોગથી ડરીને પેનિક થવાની જરૂર નથી, પરંતુ સાવચેતી જરૂર રાખવી પડશે. વડીલો અને કોમોર્બીડ લક્ષણો ધરાવતા દર્દીઓ કોરોનાવાયરસથી સંક્રમિત થયા પછી તેમજ નિયત લક્ષણો હોવાની જાણ થયા પછી પણ સમયસર યોગ્ય સારવાર માટે ઉદાસીન વલણ દાખવે છે, જેથી જ્યારે દાખલ થાય છે ત્યારે તેમની તકલીફ વધી જાય છે એ પણ વાસ્તવિકતા છે.
આ પણ વાંચો : સુરતના લોકોમાં ભય સાથે જાગૃતતા, હવે આ રીતે કોરોના સામે લડી રહી જનતા…
