સરકારી નિયમ અનુસાર 1 ટકા સર્વિસ ચાર્જ ભર્યા વિના જ 450 કરોડની સરકારી જમીન ખરીદવાના આર્સેલર મિત્તલ ગ્રુપના ઈરાદા પર સુરત જિલ્લા કલેક્ટરે પાણી ફેરવી દીધું છે.
આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઈન્ડિયા કંપની દ્વારા સુરતના હજીરા અને શિવરામપુર ખાતે 19 લાખ ચોરસ મીટર સરકારી જમીનની માંગણી કરાઈ હતી. આ બંને સ્થળે કંપની દ્વારા નવા પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન છે. આ જમીનની કિંમત 450 કરોડ થાય છે. નિયમ મુજબ સરકારી જમીનની માંગણી કરતી અરજી વેળા 1 ટકા સર્વિસ ચાર્જ જમા કરાવવાનો હોય છે, પરંતુ આર્સેલર મિત્તલ કંપનીએ આવો કોઈ ચાર્જ ભર્યા વિના જ અરજી કરી નિયમ ભંગ કર્યો હતો.
આ અરજી ચોર્યાસી મામલતદાર દ્વારા સુરત જિલ્લા કલેક્ટર પાસે મોકલવામાં આવી ત્યારે કલેક્ટર ડો. ધવલ પટેલેના ધ્યાને ગેરરીતિ આવી હતી. કલેક્ટરે તરત જ જમીન ફાળવણીની કામગીરી પર બ્રેક મારી દીધી હતી અને કંપનીને 1 ટકા લેખે 4.56 કરોડનો સર્વિસ ચાર્જ જમા કરાવવા આદેશ કર્યો હતો. ચાર્જ જમા થયા બાદ જમીન ફાળવણીની કાર્યવાહી શરૂ કરવા મામલતદારને આદેશ કર્યા હતા.
અહીં પ્રશ્ન એ ઉઠે છે કે આર્સેલર મિત્તલ કંપનીએ સર્વિસ ચાર્જ કેમ ભર્યો નહીં અને મામલતદારે પણ ચાર્જ વસૂલ્યા વિના જ કેમ અરજી કલેક્ટરને મોકલી આપી.
Copyright © 2020 News Aayog. All Rights Reserved Designed & Developed By: Jemistry Info Solutions LLP