ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી (Harsh Sanghvi) કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યા છે. તેમણે જાતે જ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. હર્ષ સંઘવી છેલ્લા ઘણા દિવસોથી ‘કોરોના વૉરિયર’ તરીકે કામ કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ હર્ષ સંઘવીએ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન કેશોદ ચોકડી પર ગરબા કરતા કેમેરામાં કેદ થયા હતા. તે ઉપરાંત, સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના મહામંત્રી પણ કોરોનાગ્રસ્ત થયા છે. તેઓ પણ પાટીલના સૌરાષ્ટ પ્રવાસમાં હાજર હતા.સી.આર.પાટીલના આ સૌરાષ્ટ્ર પ્રવાસમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો પાલન ન કરતા કોરોના સંક્રમણ ફેલાવાનો ડર પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. આ પ્રવાસના બાદ ગણતરીના દિવસોમાં જ સત્તાધારી પક્ષના ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના સંક્રમિત થતા સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવેશને લઈને ઘણા સવાલ ઉભા થયા છે.

કેશોદ ચોકડી પર ગરબા કરતા જોવા મળ્યા હતા હર્ષ સંઘવી
કોરોના મહામારી વચ્ચે સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કર્યા બાદ શરૂ થયેલા પ્રવાસમાં હર્ષ સંઘવી સાથે હતાં. આ પ્રવાસ દરમિયાન હજારો લોકોની સંખ્યામાં કેશોદ ચોકડી પાસે જાહેરમાં રોડ પર ગરબા રમવામાં આવ્યાં હતાં. જેમાં હર્ષ સંઘવી પણ ગરબા કરતા જોવા મળ્યા હતા. આ પ્રવાસના વીડિયોમાં સ્પષ્ટ થયું છે કે, હર્ષ સંઘવી ગરબા ન રમે તો તેમને સાસુના સમ આપવામાં આવ્યા હતા.
કોરોના હૉસ્પિટલ શરૂ કરી
સુરતમાં હર્ષ સંઘવીએ તેમના મિત્રો સાથે મળીને કોરોના દર્દીઓની સારવાર માટે એક હૉસ્પિટલ શરૂ કરી છે. જ્યાં કુલ 182 દર્દીઓને સારવાર મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ હૉસ્પિટલ બનાવવાનો તમામ ખર્ચ હર્ષ સંઘવી અને તેમના મિત્રોએ ઉઠાવ્યો છે.

કોરોનાકાળમાં થયેલા પાટીલના પ્રવાસ સામે ઉઠ્યા હતા સવાલો
રાજ્યમાં હાલમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તે વચ્ચે સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થયા ઘણા સવાલો ઉભા થયા હતાં. એક તરફ સરકાર કોરોના મહામારીના કારણે તમામ ધાર્મિક ઉત્સવો પર પ્રતિબંધ લગાવી રહી છે ત્યારે, સરકાર જ જાહેરમાં રેલીનું આયોજન કરીને નિયમોના ભંગ કરી રહી હતી. આ વિશે કોઈ પણ નેતા કે કાર્યકરને દંડ કરવામાં આવ્યો નહોતો. આ રેલીમાં દરેક જીપમાં આઠ આઠ લોકો સવાર હતાં. એટલું જ નહિ આ રેલીમાં જાહેરમાં માસ્ક વગર લોકો ગરબા કરતા જોવા મળ્યાં હતાં.
આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધિ, નીતિ આયોગના આ ઇન્ડેક્ષમાં તમામ રાજ્યોને પછાડી ગુજરાત બન્યું નંબર 1
