ચોકબજારમાં વિવેકાનંદ સર્કલ પાસે SBI સર્કલ મેઇન રોડ બંધ કરાયાં બાદ હવે 24મીએ SBIથી વિવેકાનંદ સર્કલ જતા માર્ગને જૂની સિવિલ પાસે બંધ કરાયો હતો. આ કોયડો હજુ ઉકેલાયો નથી ત્યાં શનિવારે રાતથી સ્વામી વિવેકાનંદ બ્રિજનો નાનપુરાથી અડાજણ જતો રેમ્પ રિપેરિંગ માટે બંધ કરાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે. આ માટે જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ ન કરાતાં વાહનચાલકો અટવાઇ રહ્યાં છે.
મહાપાલિકાના બ્રિજ સેલે વર્ષ 1998માં લોકાર્પિત થયેલાં બ્રિજના જોઇન્ટ જૂની પદ્ધતિએ બન્યાં હોવાથી જોઇન્ટ પર વારંવાર ડામરના લેયર પાથરી દેવાતા બમ્પ જેવા ટેકરા થઈ ગયા છે, જેને સમતલ કરાશે. આ ટેકરાના લીધે અવાર-નવાર અકસ્માત પણ બન્યાં છે. જેથી પાલિકાએ અડાજણ તરફ જતો છેડો બંધ કરતાં બીજા છેડા પર ટુ-વેમાં વાહનો દોડી રહ્યાં છે. આ કામગીરી ક્યારે પુર્ણ થશે તે સ્પષ્ટ ન હોવાનું વિભાગે જણાવ્યું હતું.