સુરતના પુણા પોલીસ મથકના એક કર્મચારીએ બેન્કમાં ધમાલ કરી એક મહિલા સહીત બે પર હુમલો કર્યો હતો જે અંગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરી સુરતના કલેક્ટર ડો.ધવલ પટેલને પગલાં લેવા સુચના આપી છે. બેંકમાં બનેલી આ ઘટના CCTVમાં કેદ થઇ છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઈ રહ્યો છે. જે અંગે પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ છે. જયારે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો
મળતી માહિતી મુજબ ગત સોમવારે પુણા ગામ પોલીસ મથકનો ઘનશ્યામ નામનો પોલીસ કર્મચારી સરોલી ખાતે બેંકમાં પાસબુકમાં એન્ટ્રી કરવા ગયા હતા. ત્યારે બેંક કર્મચારીએ એન્ટ્રી નહીં પાડી આપતા આ પોલીસ કર્મચારી બેંકમાં જઈ હંગામો કર્યો હતો. બેંકમાં એલફેલ બોલી કોન્સ્ટેબલે કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી. દરમિયાન બેંકની એક મહિલા કર્મચારીએ મોબાઈલમાં વીડિયો ઉતારવાનું શરૂ કરતા કર્મચારી હુમલો કરી મહિલાનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ અન્ય એક કર્મચારી પર પણ હુમલો કર્યો હતો.
નાણાંમંત્રીના ટ્વીટ પછી નોંધાઈ ફરિયાદ
પહેલા તો આ મહિલા ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથકે જાય છે ત્યારે પોલીસ ફરિયાદ નહિ લઇને માત્ર અરજી લેવામાં આવે છે. પરંતુ આ ઘટનાની ટીકા નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી ત્યારે ગઇકાલે મોડી રાતે આ અંગે ફરિયાદ નોંધવામાં આવી અને તે માણસને રજા પર ઉતારી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : લોકડાઉન દરમિયાન Google માં થઈ રહ્યો છે આ વર્ડ સૌથી વધુ સર્ચ
