સુરતમાં કોરોના કેસની સાથે-સાથે તંત્રની બેદરકારીના કિસ્સા પણ વધી રહ્યા છે. હાલમાં પાલિકાની ટીમે સારવાર બાદ મહિલા દર્દીને સલામત ઘરે ન પહોંચાડતા તેને અધવચ્ચે જ ઉતારી દીધી હતી. અધવચ્ચે ઉતારવાનું કારણ ‘બસમાં જગ્યા નથી…’ એમ જણાવ્યું હતું. આ મહિલા ઘરે પહોચતાની સાથે જ ગણતરીના કલાકોમાં જ મોતને ભેટી હતી. જેના કારણે લોકોમાં ઘણા સવાલ થયા છે. મોત બાદ હોબાળો મચાવતા ફરી મનપાની ટીમ દોડતી થઈ હતી. મહિલાનો મૃતદેહ સ્મીમેર પોસ્ટમોટર્મ રૂમ ખાતે મોકલી આપ્યો હતો.
કાપોદ્રા વિસ્તારમાં આવેલી ઠાકોરબા સોસાયટીમાં રહેતા શૈલેશ ચોવટિયાનાં માતા નો ગત 13 જુલાઈના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાંથી સારવાર બાદ 17 જુલાઈએ સાંજે 6 વાગ્યે તેમની માતાને ડિસ્ચાર્જ કરાયા હોવાનો ફોન આવ્યો હતો. જેથી પરિવારજનો ઘર પાસેના રોડ પર ઉભા માતાની રાહ જોતા હતા. ત્યારબાદ 8 વાગે પાલિકા કર્મીનો ફોન આવ્યો જેમાં તેમને કહ્યું કે, તમારા મમ્મીને બંબાખાના પાસે આવીને લઈ જાવ. તેમને લેવા ત્યાં પહોંચ્યા હતા. માતાને ઘરે લાવ્યાના સાડા આઠ થી 9 વાગ્યાની વચ્ચે જ તેઓ મૃત્યુ પામ્યા હતા. જેની ત્વરિત જાણ 104 અને 102 પર કરવામાં આવી હતી. હોસ્પિટલે તેમના ડિસ્ચાર્જ કર્યા અંગેના પણ કોઈ કાગડો નહોતા આપ્યા.
આ પણ વાંચો : અધિકારીઓની સુરતમાં દોડ અને શહેરની બગડતી જતી સ્થિતિ, કોણ બનશે તારણહાર…
હાલમાં કોરોનાના વધુ કેસના કારણે તંત્રની કામગીરી તો વધી છે પરંતુ, તેની સામે ઘણા બેદરકારીના કિસ્સા પણ સામે આવ્યા છે. તંત્રની આ બેદરકારીના કારણે ઘણા વિવાદો સર્જાઈ રહ્યા છે. થોડા દિવસ અગાઉ મૃતકોને અગ્નિદાહ આપવા મામલે પણ વિવાદ ઉભો થયો હતો. હવે, આ મહિલા દર્દીને ઘરે મુકવા મામલે સ્મીમેર હોસ્પિટલની બેદરકારી સામે આવી છે.
