ગુજરાત સરકારે ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખીને ખાસ 2 લાખ 43 હજાર અને 965 કરોડ રૂપિયાનું બજેટ રજુ કર્યું છે. જેમાં સુરતની મુખ્ય પાંચ જેટલાં પ્રોજેક્ટ પર ધ્યાન આપ્યું છે. જેમાં પણ લાંબા સમયથી સુરતના લિંબાયત અને વરાછા વિસ્તારમાં સરકારી કોલેજની માંગણીની આખરે સંતોષી લેવામાં આવી છે. તો બીજી તરફ તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે રૂ.1991 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જ્યારે ઉદ્યોગ માટે સૌથી મહત્વનો એવા મેગા ટેક્સટાઇલ પાર્ક માટે વાંસી બોરસી નવસારીમાં જગ્યા આપવાની નાણાં મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના નાણામંત્રી કનુદેસાઈ બજેટની સાથે સુરત શહેરમાં એજ્યુકેશન માટે લાંબા સમયથી વરાછા વિસ્તારમાં અને લિંબાયત વિસ્તારમાં સરકારી કોલેજની માંગણી પર આખરે મોહર લગાવી છે. જેની સાથે જ બાળકોના અભ્યાસની સૌથી મોટી તકલીફનું નિવારણ આવી શકશે.

આ અંગે વાત કરતાં લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારની અંદર સરકારી કોલેજ મળે તેના માટેની અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી રહી હતી. જેને આખરે સરકારે મંજુરી આપવામાં આવી છે જે ખરેખર આવકાર દાયક છે. હાલમાં બાળકોનો અભ્યાસ ન બગડે અને શૈક્ષણિક કાર્ય ઝડપથી શરૂ થાય તે માટે કોલેજ તાત્કાલિક ધોરણે આ વિસ્તારની અંદર પ્રારંભિક ધોરણે કોઈ એક સ્કૂલની અંદર કોલેજ શરૂ દેવામાં આવશે અને સમય સાથે નવું બિલ્ડિંગ બનાવવામાં આવશે.

તેમજ વરાછા વિસ્તારમાં જ્યાંથી મોટા પ્રમાણમાં બાળકોએ 10 થી 12 કિમીનું અંતર કાપીને સરકારી કોલેજ માટે દૂર સુધી આવવું પડતું હોય તેની માંગણી ઘણાં સમયથી કરવામાં આવી હતી. આ અંગે સેનેટના પૂર્વ સભ્ય મનીષ કાપડીયાએ જણાવ્યું કે, સરકારે સૌથી મોટી માંગણી વરાછા વિસ્તારની પૂર્ણ કરી છે, જે લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. તેમજ આ સરકારી કોલેજ પણ એક મોડેલ કોલેજ બને તે જ અમારો મુખ્ય હેતુ છે જેથી બાળકોને દૂર સુધી ભણવા ન જવું પડે. આ માટે સીમાડા આઉટર રિંગરોડ પર સાણિયા અહેમદ ગામ પાસે જગ્યા પણ જોવામાં આવી છે જે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહેશે. વરાછા વિસ્તરણમાં મોટાભાગની છોકરીઓ દૂર સુધી અભ્યાસ કરવા માટે જાય છે પણ જો કોલેજ નજીક હશે તો તેમની સુરક્ષાની પણ પરિવારને ચિંતા રહેશે નહીં. આ સૌથી ખુશીની વાત છે અને તેના માટેનું કામ ઝડપથી શરૂ થાય તે જ અમારો હવે પછીનું લક્ષ છે.
આ ઉપરાંત સુરતના આદિવાસી વિસ્તાર કાછોલમાં આવેલી કોલેજ વિજ્ઞાન પ્રવાહમાં બાળકો ભણી શકે તેવી વ્યવસ્થા ન હતી. તેના કારણે વિદ્યાર્થીઓએ શહેરી વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે આવવાની ફરજ પડતી હતી. જોકે આજે બજેટની અંદર કોલેજમાં વિજ્ઞાન પ્રવાહના પણ વર્ગો શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. અંતરિયાળ ગામડાના વિદ્યાર્થીઓ પણ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી શકે તે દિશાની અંદર સરકારે આ પગલું લીધું હોય તેવું લાગી રહ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં પણ બાળકોની સંખ્યા વધુ પ્રમાણમાં મળી રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
શહેરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે તેમજ બ્યુટીફીકેશન માટે પણ સરકારે બજેટની અંદર જાહેરાત કરી છે. જેમાં ખાસ કરીને તાપી રિવર ડેવલપમેન્ટ માટે રૂપિયા 1991 કરોડ ફાળવવામાં આવ્યા છે. અમદાવાદમાં જે પ્રકારે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ થયું છે એ જ રીતે તાપી રિવરફ્રન્ટમાં પણ ડેવલપમેન્ટ કરવા માટે શાસકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી હતી. તેને ધ્યાનમાં રાખીને હવે તાપી રિવરફ્રન્ટને ખૂબ જ વિકસિત અને અદ્યતન રીતે ફરવાલાયકનું સ્થળ બનાવાય તે પ્રકારનું આયોજન કરવામાં આવશે. સાથે સાથે ભીમરાડના ઐતિહાસિક સ્થળને આગવી ઓળખ મળે તેના માટે ગાંધી સ્મારક બનાવવા માટે રૂપિયા 10 કરોડની ફાળવણી કરવામાં આવી છે.