સુરતના ડુમસ અને સુંવાલી બીચને વિકસાવવા માટે ચાર વર્ષ અગાઉ સરકારમાંથી રૃા.28 કરોડની ગ્રાન્ટ મંજુર કરાઇ હોવા છતા આજદિન સુધી એક પણ રૃપિયાનું કામ થયુ નથી. અને જે પણ ગ્રાન્ટ મંજુર કરાઇ હતી.તે લેપ્સ થઇ જતા આજની જિલ્લા સંકલનની બેઠકમાં પ્રશ્ન ઉઠાવાયો હતો.
જિલ્લા સેવા સદન ખાતે આજે જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં ચોર્યાસી ધારાસભ્ય ઝંખનાબેન પટેલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે હજીરા દરિયા કાંઠે ગણેશ વિર્સજન થનાર હોવાથી આ સ્થળે એમ્બ્યુલન્સ, મોબાઇલ ટોઇલેટ અને સેફટી બોટ મુકવા માંગ કરાઇ હતી.

આ માંગને લઇને બેઠકમાં હાજર પાલિકા અધિકારીએ સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી આપી હતી. આ સાથે જ તેમણે 2017-18 ના વર્ષમાં ડુમસ બીચ વિકસાવવા માટે સરકારે પાંચ કરોડ અને સુંવાલી બીચ વિકસાવવા માટે 28 કરોડની ગ્રાન્ટ મંજુર કરાઇ હતી. પરંતુ વહીવટીતંત્ર દ્વારા કોઇ જ નક્કર કામગીરી થઇ નહીં હોવાથી આ ગ્રાન્ટ લેપ્સ થઇ ગઇ હતી.
સાથે જ સુંવાલી બીચ પર આજની તારીખે પણ ડુબવાની ઘટનાઓ બનતી હોવાથી ચોક્કસ કામગીરી કરવા પર ભાર મુકતા અધ્યક્ષ સ્થાનેથી પ્લાનીંગ કરીને કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ. તો અન્ય ધારાસભ્યે સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરનારા અસામાજિક તત્વો વિરુદ્વ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી કરવા કડક કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ.