કોરોનાના કારણે અનેક લોકોના જીવન પર અસર પડી છે તેમજ લોકોની નોકરી રોજગાર પણ છીનવાઈ ગયા છે. ત્યારે નિઃસ્વાર્થ ભાવે લોકોના જીવ બચાવવા માટે સેવા આપતી સંસ્થા વી રક્તદાન કેન્દ્રને પણ મહામારીની અસર પડી છે. બ્લડ બેન્કમાં સતત બ્લડની અછત સર્જાઈ રહી છે. કોરોનાના ભયના કારણે લોકો રક્તદાન કરવા નથી આવી રહ્યા.
સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરમાંથી મળતી માહિતી મુજબ, કોરોનાના કારણે આ વર્ષે રક્તદાન કેમ્પમાં મોટા પાયે ઘટાડો નોંધાયો છે. જયારે લોકડાઉન ન હતું ત્યારે 22 માર્ચથી 30 જુન સુધીમાં 4419 યુનિટ બ્લડ ભેગુ થયું હતું. જેની સામે 6875 યુનિટનું વિતરણ થયું હતું. અને લોકડાઉન થયું ત્યારે માત્ર 2753 યુનિટ બ્લડ ભેગુ થઈ શક્યું હતું અને તેની સામે 4801 યુનિટનું બ્લડનું વિતરણ કરવામાં આવ્યું. લોકડાઉનના કારણે રક્તદાતાઓ રક્તદાન કરી શક્યા ન હોવાથી હાલમાં બ્લડ બેંકમાં બ્લડની ઘટ જોવા મળી રહી છે.
સુરત રક્તદાન કેન્દ્રના CEO નરેન્દ્રભાઈ વસાવડાએ ન્યુઝ આયોગ સાથે વાત કરતા જણાવ્યું કે, 20 વર્ષમાં પહેલી વખત એવું બન્યું છે. જ્યારે અમે કોઈને એક્સચેન્જમાં બ્લડ આપ્યું હોય. અમે વિનામૂલ્યે વર્ષોથી જરૂરિયાતમંદોને બ્લડની સેવા આપતા આવ્યા છે. હાલ બ્લડ બેંકમાં બ્લડની ઘટ આવી જતા લોકો દોડાદોડી કરી રહ્યાં છે. રાજ્યની બહારથી પણ બ્લડ માટે ફોન આવી રહ્યા છે.

બ્લડ બેંકમાં બ્લડ ઘટવાનું શું છે કારણ
નરેન્દ્રભાઈ વસાવડાના જણાવ્યા મુજબ, કોરોના મહામારીના કારણે લોકોમાં હજુ પણ ભય છે. તેથી લોકો બ્લડ ડોનેટ કરવા નથી આવી રહ્યાં. જુલાઈથી ઓગસ્ટ માસમાં સૌથી વધુ અમે કોલેજો માંથી બ્લડ એકત્રિત કરીએ છીએ પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે કોલેજો બંધ છે જેથી શક્ય બન્યું નહિ. સાથે જ આ વર્ષે મોટા કેમ્પોનું પણ આયોજન થઇ શક્યું નહિ જેમાં લગભગ 400 થી 500 રક્તદાતાઓ રક્તદાન કરતા હોય છે. આજથી સ્થિતિમાં વધુ લોકોને ભેગા કરી શકાય એ શક્ય નથી. અમે લોકોને સામેથી બોલાવીએ છીએ પરંતુ લોકો આવતા જ નથી.

રક્તદાન કરવું એકદમ સુરક્ષિત
તેઓ લોકોને અપીલ કરતા કહે છે, રક્તદાન કરવું એકદમ સલામત છે. રક્તદાનથી કોઈ પણ રોતે તમારા આરોગ્યને હાનિ પહોંચે નહિ. માટે તમે કેન્દ્ર પર આવીને રક્તદાન કરી શકો છો. અહીં કોરોનાની ગાઇડલાઇન મુજબ સેનિટાઇઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની તમામ સુવિધાઓને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યા છે. તમે રક્તદાન કરશો તો તહેવારની સીઝનમાં અનેક લોકોના જીવ બચી શકે છે.
સુરત રક્તદાન કેન્દ્રના નિતેશ મહેતા કહે છે કે, દર વર્ષે તહેવારોના સમયે બ્લડ બેન્કમાં બ્લડ નહિવત હોય છે કારણ કે તહેવારોમાં લોકો ફરવા જતા હોય છે. ત્યારે આ વર્ષે લોકો કોરોનાના કારણે ઘરે જ છે તો તેઓ બ્લડ બેન્ક પર આવી બ્લડ ડોનેટ કરે એવી અમે અપીલ કરી રહ્યા છે. જેના માટે અમારી મોબાઈલ વાન પણ કાર્યરત છે તેમાં પણ તમે રક્તદાન કરી શકો છો.