અમદાવાદ : સુપ્રિમ કોર્ટે કોરોનાના મૃતકના પરિવારજનને રૂા.50 હજાર વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ ચુકાદાના પગલે ભાજપ સરકારને ગળે હાડકુ ભરાયુ છે કેમ કે, સરકારના મતે, ગુજરાતમાં કુલ 10,082 લોકોના કોરોનાથી મોત થયા છે. વાસ્તવમાં મૃત્યુઆંક ઘણો મોટો છે.
સરકારને એવી ભીતિ છેકે, સહાય લેનારાં ફોર્મ ભરશે તો કોરોનાના મૃત્યુઆંકની પોલ ઉઘાડી પડી શકે છે. હવે પ્રશ્ન એ સર્જાયો છેકે, ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુના કારણમાં કોરોનાનો ઉલ્લેખ કરાયો નથી પરિણામે અત્યારથી વિવાદ વકર્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દે હોબાળો મચી શકે છે. કોરોનાની બીજી લહેર ગુજરાતમાં ઘાતક પુરવાર નિવડી હતી.હોસ્પિટલમાં પથારી સુધૃધાં મળતી નથી.

ઓક્સિજન સિલિન્ડર મેળવવા લોકો ફાંફે ચડયા હતાં. હોસ્પિટલની બહાર 108 એમ્બ્યુલન્સની દોઢ બે કિમી સુધી લાંબી લાઇનો લાગતી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં આર્મીની મદદથી હંગામી હોસ્પિટલ શરૂ કરવી પડી હતી. દર્દીઓ હોસ્પિટલના દરવાજે આખરી શ્વાસ લેતાં હતાં તેવા કરૂણ દ્રશ્યો હજુ ગુજરાતની જનતા ભૂલી શકી નથી.
ગુજરાત સરકારના મતે, રાજ્યમાં કોરોનાને લીધે કુલ 10,082 લોકોએ જાન ગુમાવ્યા હતા. જોકે, કોંગ્રેસનો આરોપ છેકે, કોરોનાનો મૃત્યુઆંક ઘણો મોટો છે અને સરકાર સાચો મૃત્યુઆંક છુપાવી રહી છે કેમકે, ખુદ કોંગ્રેસેન ગામગામે ફરીને કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળીને ફોર્મ ભરી વિગતો એકત્ર કરી હતી જેમાં અત્યાર સુધી 38 હજારથી વધુ લોકોએ કોરોનામાં જાન ગુમાવ્યા છે તેવુ સાબિત થયુ છે.