કોરોનાના મહાકાળમાં જ્યારે મોટાભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓની સેલરીમાં ઘટાડો અથવા તો તેમને છૂટા કરી રહ્યા છે ત્યારે ભારતમાં આઈટી કંપનીમાં દિગ્ગજ કહી શકાય તેવી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝે રાહતના સમાચાર આપ્યા છે. ટીસીએસએ દેશના તમામ કેમ્પસમાંથી 40 હજાર જેટલા ફ્રેશર્સને નોકરી આપવાની જાહેરાત કરી છે.

ગયા વર્ષે પણ કંપનીએ આટલી મોટી સંખ્યામાં ફ્રેશર્સને હાયર કર્યા હતા. આ વખતે કંપનીની આ ભરતી એટલા માટે મહત્ત્વની છે કે કોરોનાના મહાકાળમાં આર્થિક સંકટથી જજૂમી રહેતી કંપનીઓ લોકોને છૂટા કરી રહી છે, જ્યારે ટીસીએસએ એવું કરવાનું ટાળ્યું છે.
એટલું જ નહીં ટીસીએસએ અમેરિકાનું કેમ્પસ પ્લેસમેન્ટ આ વર્ષે બેગણું કરીને 2000 કરવાનો નિર્ણય કર્યો છે. ટીસીએસના સીઈઓ રાજેશ ગોપીનાથને આ અંગે વાત કરતા કહ્યું છે કે, માંગના સકારાત્મક માહોલને જોતા કંપની ફ્રેશર્સને હાયર કરવાનું ધીરે ધીરે ચાલું કરી રહી છે.
ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ટીસીએસનો એપ્રિલ થી જૂન મહિનાનો ત્રિમાસિક નફો 13 ટકા ઘટીને માત્ર 7049 કરોડ રૂપિયા થયો હતો.
