સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઈલ પ્રોસેસર્સ ઈન્ડસ્ટ્રીઝ માટે હાલની સ્થિતિમાં ભાવ વધારાને કારણે મુશ્કેલ બની રહી છે. જેમાં હાલમાં કોલસાના ભાવો વધતા કોલસો ખરીદવો મોંઘો પડી રહ્યો હોવાથી હવે પ્રોસેસર્સો દ્વારા કોલસો જાતે જ આયાત કરવાની દિશામાં પગલું ભરાયું છે જે અંતર્ગત પ્રોસેસર્સ એસો.ને હજીરાના કૃભકો પોર્ટ પરથી કોલસો આયાત કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. જે હવે ટૂંક સમયમાં જ શરૂ કરી દેવાશે. જો કે, આ કોલસો પ્રોસેસિંગ એસોસિએશનના સભ્યોને જ મળશે.
વિવિધ પરિબળોને કારણે વિદેશથી આયાત થતો કોલસો સ્થાનિક ઉદ્યોગકારોને મોંઘો પડી રહ્યો છે જેને કારણે ટેક્સટાઈલ પ્રોસેસર્સ ક્ષેત્ર સહિત અન્ય ક્ષેત્રોમાં પણ વેપાર માટે મુશ્કેલી પડી રહી હોવાથી હવે કોલસાના વધતા ભાવો સામે સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિયેશન દ્વારા નવી નીતિ બનાવવામાં આવી છે જે મુજબ આયાતી કોલસો હવે દક્ષિણ ગુજરાતના સપ્લાયર પાસેથી ખરીદવાને બદલે જે તે દેશમાંથી સીધો જ મંગાવીને ઉપયોગ કરવાની પહેલ કરવામાં આવી છે .

આ અંગે પાંડેસરા જીઆઈડીસીના ઉદ્યોગ આગેવાન કમલ તુલસ્યાન જણાવે છેકે, વૈશ્વિક પરિબળોને કારણે કોલસાના ભાવોમાં છેલ્લા બે વર્ષમાં લગભગ 100 ટકા જેટલો વધારો નોંધાઈ ચૂક્યો છે . તેથી હવે પ્રોસેસર્સોને આયાતી કોલસો સપ્લાયર મારફતે ખરીદવો મોંઘો પડતો હોવાથી પ્રોસેસર્સ એસોસિયેશન દ્વારા કોલસો વિદેશમાંથી સીધો મંગાવવામાં આવેશે જેના કારણે આ કોલસો પ્રોસેસસીને લગભગ ટન દીઠ 1500 થી 2000 રૂપિયા સુધી સસ્તો પડશે. જેનો સીધો લાભ પ્રોસેસર્સોને વેપારમાં થશે.
આ માટે પ્રોસેસર્સ એસોસિયેશન દ્વારા વિવિધ દેશમાંથી કોલસો સુરત આયાત કરવા માટેની પરવાનગી હજીરાની કૃભકો પોર્ટ પરથી માગવામાં આવી રહી છે. તેથી હવે આગામી સમયમાં પ્રોસેસર્સ એસોસિયેશન દ્વારા જે દેશમાંથી કોલસો સસ્તો મળશે એ દેશમાંથી કોલસો સીધો આયાત કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતની ડાઈંગ પ્રિન્ટીંગ મિલોમાં વાપરવામાં આવશે. તેમજ જે દેશમાંથી કોલસો સસ્તો પડશે એ દેશમાંથી કોલસો આયાત કરવા માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે એ ટીમના સર્વેના આધારે કોલસાનો આયાત તથા સ્થાનિક વપરાશનો નિર્ણય કરવામાં આવશે.