રાજ્યમાં ઉત્તર પૂર્વમાં પવન ફૂંકાય રહ્યો છે. જેના કારણે આજે ગુજરાતમાં શિયાળાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, અને લઘુતમ તાપમાનનો પારો પણ ગગડ્યો. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયુ છે અને નલિયાનુ લઘુતમ તાપમાન 8.2 ડિગ્રી નોંધાયુ છે. રાજ્યના સીમાડે આવેલા ગિરિમથક માઉન્ટઆબુમાં ઠંડીનો પારો ગગડતા તાપમાન 2 ડિગ્રીએ પહોંચ્યું છે. આબુમાં ઠંડીનો પારો ગગડતા સિઝનમાં પહેલી વાર બરફની ચાદર છવાઈ છે.

આબુમાં તાપમાનનો પારો ગગડતા મોડી રાત્રે ગાડીઓ પર બરફની ચાદર છવાઈ હતી. સ્થાનિકોએ ફૂટપટ્ટી અને સૂપડીની મદદથી બરફની છારી કાઢી હતી.

વહેલી સવારે ઝાકળ અને ભેજના કારણે આબુમાં બરફની આછી ચાદર છવાઈ હતી. માઉન્ટઆબુનું મુખ્ય આકર્ષણ નકી લેકમાં પાર્ક કરેલી હોડીઓની સીટ પર પણ બરફ જામી ગયો હતો. જોકે, સ્થાનિકોના મતે આ સીઝનમાં પહેલીવાર આબુમાં બરફની છારી જોવા મળી છે. એટલે કે હવે માઉન્ટ આબુમાં શિયાળાની ધમાકેદાર એન્ટ્રી થાય તેવું લાગી રહ્યું છે.
આ સિવાય રાજ્યમાં અમદાવાદ અને ડીસા, રાજકોટ, ભૂજ અને સુરેન્દ્રનગરનું લઘુત્તમ તાપમાન પણ ગગડ્યું છે. ડીસામાં તાપમાનનો પારો 12.5 ડિગ્રી, અમદાવાદમાં 14.3 ડિગ્રી, રાજકોટ અને ભુજમાં 13.3 ડિગ્રી, સુરેન્દ્રનગર 13.1 ડિગ્રી, ગાંધીનગર અને સુરત 17 ડિગ્રી તેમજ વડોદરાનું તાપમાન 16ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં ફરી એક લો પ્રેશર સક્રિય થયુ હતુ અને 24 કલાકમાં ડિપ્રેશન બની જવાની આગાહી હતી. હવામાન વિભાગ દ્વારા લો પ્રેશરનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે કે ડિપ્રેશન બની કઈ દિશા તરફ આગળ વધશે, અને ગુજરાતના વાતાવરણને અસર કરશે કે નહી?
