ઔદ્યોગિક એકમોમાં આરોગ્યપ્રદ વર્ક ફોર્સ હોય તો ઉત્પાદન પણ સારુ થાય છે. આથી સુરત શહેર માટે ઓકયુપેશનલ હેલ્થની સેવાઓ વિકસાવવાની જરૂરિયાત ઉભી થઇ છે : ડો. વિકાસ દેસાઇ
ચેસ્ટ ફિઝીશ્યન ડો. સમીર ગામીએ ‘એલર્જીની સમસ્યા તથા તેની સારવાર’ વિશે, ઓર્થોપેડીક સર્જન ડો. ભરત સુતરીયાએ ‘જોઇન્ટ પેઇન, રિપ્લેસમેન્ટ અને સર્જરી’ વિશે, કોસ્મેટોલોજિસ્ટ ડો. જગદીશ સખીયાએ ‘સ્કીન પ્રોબ્લેમ્સ તથા તેની સારવાર’ વિશે, ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઓબ્સ્ટેટ્રિશ્યન ડો. પુજા નાડકર્ણીએ ‘વ્યંધત્વ અને તેને સંબંધિત વધતી સમસ્યા તથા તેના નિદાન’ વિશે, ઓન્કો સર્જન ડો. નિકુંજ વિઠ્ઠલાનીએ ‘કેન્સરમાં આવેલા નવા પ્રકાર તથા તેના નિદાન’ વિશે, એશિયન બેરિયાટ્રિકસ ડો. મહેન્દ્ર નરવરીયાએ ‘સ્થુળતાના નિદાન’ વિશે, ગુજરાત સરકારના ફેમિલી વેલ્ફેરના માજી એડીશનલ ડાયરેકટર ડો. વિકાસ દેસાઇએ ‘ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ’ વિશે તથા ડો. પ્રિયંકા શાહે ‘ડાયાબિટીસ અને તેમાં થતા વધારાના નિદાન’ વિશે ઉદ્યોગકારોને વિસ્તૃત માહિતી આપી

સુરત. કોરોનાને કારણે લોકો વિવિધ શારીરિક અને માનસિક રોગોથી પીડાઇ રહયા છે ત્યારે તમામ રોગો સંબંધિત જાણકારી તેમજ તેના નિદાન માટેની સચોટ માહિતી લોકો તથા ઉદ્યોગકારો સુધી પહોંચાડવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે સૌપ્રથમ વખત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રવિવાર, તા. ૧૦ એપ્રિલ, ર૦રર ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી બપોરે ૩:૦૦ વાગ્યા દરમ્યાન સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે અડધા દિવસની ‘હેલ્થ કોન્ફરન્સ– મેડીકોન ર૦રર’ યોજાઇ હતી.

ચેસ્ટ ફિઝીશ્યન ડો. સમીર ગામીએ ‘એલર્જીની સમસ્યા તથા તેની સારવાર’ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એલર્જી અને તેને કારણે અસ્થમાની સમસ્યા વિશ્વભરમાં ચારથી પાંચ ટકા લોકોને થાય છે. બાહય તત્વો જેવા કે તાપમાન, હવા, ધુળ, રજકણ વિગેશે શરીરના સંપર્કમાં આવે તથા અંદર પ્રવેશે ત્યારે એલર્જી થાય છે. ૧૦૦ માંથી ચાર લોકોને આ તકલીફ થતી હોય છે. ખાસ કરીને યુરોપિયન કન્ટ્રી અને સ્વીત્ઝરલેન્ડમાં આવું જોવા મળતું હોય છે. હવે ભારતમાં પણ અર્બન ડેવલપેમન્ટને કારણે એલર્જીના રોગ દેખાઇ રહયા છે. અસ્થમા એ વારસાગત હોતો નથી. એલર્જીથી બચવા માટે હાઇજીન જરૂરી છે પણ વધુ પડતું હાઇજીન નહીં હોવું જોઇએ. ભારતમાં ૬૦ ટકા એલર્જી ડસ્ટ માઇટ્સથી થાય છે. તેમણે એલર્જીના લક્ષણો અને તેના નિદાન વિશે માહિતી આપી હતી.

ઓર્થોપેડીક સર્જન ડો. ભરત સુતરીયાએ ‘જોઇન્ટ પેઇન, રિપ્લેસમેન્ટ અને સર્જરી’ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઉમર પ્રમાણે સાંધા ઘસાવાની સમસ્યા ઉભી થાય છે. વજન કન્ટ્રોલમાં હોવું એ જ ઉપાય છે. સાંધાની સમસ્યા ઉદ્ભવે ત્યારે બંને પગોનું અલાઇમેન્ટ સારું નહીં હોય તો સર્જરી કરવી પડે છે. કારણ કે અંદરની બાજુમાં પગ વાંકો થઇ જાય છે. આથી સર્જરીથી ઘુંટણી આયુ ૧પ થી ર૦ વર્ષ સુધી વધી જાય છે. તેમણે અડધા સાંધાના ઓપરેશન વિશે પણ માહિતી આપી હતી. જોગીંગ, સાયકલીંગ અને સ્વીમીંગ અસરકારક કસરત છે.

કોસ્મેટોલોજિસ્ટ ડો. જગદીશ સખીયાએ ‘સ્કીન પ્રોબ્લેમ્સ તથા તેની સારવાર’ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, શરીરમાં સૌથી લાર્જેસ્ટ ઓર્ગન એ ત્વચા છે. આથી ત્વચાને મેઇન્ટેન કરવાની જરૂર હોય છે. કારણ કે દર છઠ્ઠા અઠવાડિયે ત્વચામાં બદલાવ આવે છે. શરીરમાં અંદરની ત્વચા ખરાબ હોય તો બહારની ત્વચા ખરાબ દેખાવાની જ છે. સમયાંતરે વજન ઘટાડવામાં અથવા વધારવામાં આવે તો પણ તેની અસર ત્વચાના બદલાવ ઉપર પડે છે. હાલમાં સ્કીન કવોલિટી માટે વધારે દર્દીઓ તેમની પાસે સારવાર માટે આવે છે. યુવાનોને તેમણે સન સ્ક્રીન લગાવવાની સલાહ આપી હતી.
ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઓબ્સ્ટેટ્રિશ્યન ડો. પુજા નાડકર્ણીએ ‘વ્યંધત્વ અને તેને સંબંધિત વધતી સમસ્યા તથા તેના નિદાન’ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બાળક નહીં થવા પાછળ ૩૦ ટકા મહિલામાં અને ૩૦ ટકા પુરુષમાં રહેલી ઉણપ કારણભુત હોય છે. કેટલાક કિસ્સામાં બધું બરાબર હોય તેમ છતાં બાળક થતું નથી. આથી હવે ટેસ્ટ ટયુબ બેબી માટે ભારત વિશ્વમાં બીજા નંબરનો દેશ બની ગયો છે. આઇવીએફથી પહેલા બાળકને જન્મ આપનાર માતા બીજી વખત કુદરતી રીતે માતા બની શકે છે. જે માતાએ આઇવીએફથી બાળકને જન્મ આપ્યો હોય તો તેની સંતાનને પણ આઇવીએફ કરાવવું પડે તે જરૂરી નથી. જે કિશોરીઓને વહેલી ઉમરે માસિક આવે છે તેઓને તેમણે આરોગ્યપ્રદ આહાર લેવાની અને કસરત કરવાની સલાહ આપી હતી.

ઓન્કો સર્જન ડો. નિકુંજ વિઠ્ઠલાનીએ ‘કેન્સરમાં આવેલા નવા પ્રકાર તથા તેના નિદાન’ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, શરીરના કોષમાં થયેલા વિકૃત ભાગને કેન્સર કહેવાય છે. કેન્સર સામાન્યપણે શરીરમાં બ્લડ, હાડકા અને લીવરમાં ગાંઠ અથવા ખાડાના સ્વરૂપે હોય છે. તેમણે મોઢાનો કેન્સર, સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર વિશે માહિતી આપી હતી. વિશ્વમાં સ્કીન કેન્સરની સંખ્યા સૌથી વધારે હોય છે પણ એ જીવલેણ નહીં હોવાથી તેના વિશે વધારે કોઇ જાણતું નથી. વિશ્વમાં દર સેકન્ડે છ લોકોના તમાકુના સેવનને કારણે મૃત્યુ થાય છે. આ આંકડો રોડ અકસ્માત મૃત્યુ બાદનો સૌથી મોટો આંકડો છે. વિશ્વમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકામાં મોઢાના કેન્સરનું પ્રમાણ સૌથી વધારે છે. ૬પ થી ૭૦ ટકા કેસોમાં કેન્સરનું નિદાન વહેલા થવાથી દર્દી સારવાર બાદ સાજો થવાના ચાન્સીસ હોય છે. જો કે, કેન્સર વારસાગત હોવાની શકયતા પાંચથી આઠ ટકા હોય છે.
એશિયન બેરિયાટ્રિકસ ડો. મહેન્દ્ર નરવરીયાએ ‘સ્થુળતાના નિદાન’ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મેદસ્વીતા પણ એક બીમારી છે અને તેની સારવાર સમયસર કરાવવી જોઇએ. વધારે પડતા વજનને કારણે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સાંધાના દુઃખાવો અને લીવર ખરાબ થવાના કેસ સામે આવી રહયા છે. આથી મેદસ્વીતાના દર્દીઓએ દર મહિને એકથી દોઢ કિલો વજન ઉતારવું જોઇએ. એકસાથે ઘણું બધું વજન ઉતારવું પણ હાનિકારક સાબિત થઇ શકે છે. અમેરિકામાં મેદસ્વીતાના સૌથી વધારે દર્દીઓ નોંધાય છે. તેમણે ગેસ્ટ્રીક બલુન સર્જરી વિશે ચર્ચા કરી હતી.

ગુજરાત સરકારના ફેમિલી વેલ્ફેરના માજી એડીશનલ ડાયરેકટર ડો. વિકાસ દેસાઇએ ‘ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ’ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઓકયુપેશનલ હેલ્થ સંદર્ભે લોકોએ શારીરિક, માનસિક અને સામાજિક રીતે આરોગ્યપ્રદ થવું જોઇએ. કાર્યસ્થળ ઉપર આરોગ્ય જોખમમાં મુકાવવું એ ઘણા બધા ફેકટર્સનું પરીણામ હોય છે. ખાસ કરીને ઔદ્યોગિક એકમોમાં તાપમાન, ભેજ, ડસ્ટ અને રેડીએશન વિગેરેને કારણે શરીરના ઘણા બધા અવયવો ઉપર વિપરીત અસર થાય છે. આથી આરોગ્યપ્રદ વર્ક ફોર્સ હોય તો ઉત્પાદન પણ સારુ થાય છે. તેમણે ઓકયુપેશનલ હેઝાર્ડ વિશે પણ માહિતી આપી કહયું કે, આરોગ્ય શિક્ષણની સુવિધા અને તેનું અમલીકરણ કરવું જોઇએ. સુરત શહેર માટે ઓકયુપેશનલ હેલ્થની સેવાઓ વિકસાવવાની જરૂરિયાત છે.
ડો. પ્રિયંકા શાહે ‘ડાયાબિટીસ અને તેમાં થતા વધારાના નિદાન’ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોવિડમાં મૃત્યુ પામનારા દર્દીઓમાં ૮૦ ટકા દર્દીઓ ડાયાબિટીસથી પીડાતા હતા. ગુજરાતમાં ૧૮૦૦ લોકોને ડાયાબિટીક રેટાયનોપથીને કારણે અંધાપો આવ્યો છે. દવા ડાયાબિટીસની સાથે તેની અસરને પણ ઓછી કરે છે. જ્યારે દવા લેવાથી ડાયાબિટીસ નહીં મટે તો ઇન્સ્યુલીન લેવી જ પડે છે. શરીરમાં ઇન્સ્યુલીન નિર્માણ થતું હોય છે પણ પુરી માત્રામાં શરીરમાં તે ઉપયોગમાં આવતું ન હોવાથી ડાયાબિટીસ થાય છે. આથી ઇન્સ્યુલીન લેવાનો કોઇ સાઇડ ઇફેકટ નથી. તેમણે ડાયાબિટીસથી બચવા માટે કેન્ડી, બ્રેસ અને સમોડા વિગેરે ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરવાની સલાહ આપી હતી.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની પબ્લીક હેલ્થ કમિટીના ચેરપર્સન ડો. પારૂલ વડગામાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે કમિટીના સભ્ય ડો. અમિ યાજ્ઞિકે હેલ્થ કોન્ફરન્સનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરના ગૃપ ચેરમેન રાકેશ ગાંધીએ સર્વેનો આભાર માની હેલ્થ કોન્ફરન્સનું સમાપન કર્યું હતું.