છેલ્લા કેટલાક વખતથી મોંઘવારી ડાકલા વગાડી રહી છે. જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓના ભાવ ભડકે બળવા લાગતા મધ્યમ વર્ગની સ્થિતિ કફોડી બની ગઇ છે અને ટુંકા પગારમાં પુરૂં કેમ કરવું તેવો સવાલ સતાવી રહ્યો છે. દૂધ, તેલ, ઘી, અનાજ, કઠોળ, શાકભાજી, મરીમસાલા સહિતની બધી ચીજો મોંઘી થઇ છે. બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે તેવી ચર્ચા ચાલી રહી છે. લીલા શાકભાજી અને કઠોળના આસમાને પહોંચેલા ભાવ ઘટવાનું નામ લેતા નથી, તો બીજી તરફ દૂધના ભાવ વધારાને લીધે ચોખ્ખા ઘીના ભાવોમાં રૂ.50નો વધારો થયો છે. પનીરના ભાવોમાં પણ રૂ.30થી વધુનો વધારો થતા ગૃહિણીઓ પરેશાન છે. દિન-પ્રતિદિન દરરોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવોમાં આવી રહેલા વધારાને લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયુ છે.
બીજી તરફ ચા પત્તીના ભાવોમાં પણ રૂ. 40નો વધારો થઈ ગયો છે. ચણાના લોટના ભાવો રૂ.65ના સીધા 90 થઈ જતા ફરસાણમાં ચણાના લોટની સાથે મકાઈ અને વટાણાનો લોટ ભેળસેળ કરીને વાપરવામાં આવી રહ્યો છે. ગુજરાતી થાળી પહેલા 130માં મળતી હતી તે વધીને રૂ. 185 થઈ ગઈ છે. દૂધની બનાવટ અને ખાંડમાં વધેલા ભાવને લીધે મીઠાઈના ભાવો વધી ગયા છે. શાકભાજી, કઠોળ અને દૂધની બનાવટના ભાવો આસમાને પહોંચી ગયા છે. આમ છતા પૂરવઠા વિભાગ માત્ર તમાશો જુએ છે. ગૃહિણીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા વખતો-વખત કહેવામાં આવે છે કે, થોડી ધીરજ રાખો મોંઘવારી ઘટશે. જો કે ઊલટાનું મોંઘવારી વધતી જાય છે. હવે ખાવું જ શું? તે પ્રશ્ન મધ્યમવર્ગને સતાવી રહ્યો છે.

ભીંડા,ગવાર, પરવર સહિત લીલા શાકભાજીના ભાવો 90 રૂપિયાથી ૧૨૦ રૂપિયા થયા છે. જેના લીધે શાક ઓછું લાવીને ખાવાનો વારો આવ્યો છે. શાકની જગ્યાએ કેટલીકવાર રસોઈમાં કઠોળ બનાવવામાં આવતું હતું જેમાં પણ ધીમે ધીમે ઊછાળો આવ્યો છે. કાબૂલી ચણા રૂ.140, અડદની દાળ કિલોના રૂ.120, તુવેરની દાળ કિલોના રૂ.110, મગની દાળ કિલો રૂ.115 થઈ ગઈ છે.
હોલસેલ શાકમાર્કેટના વેપારીઓ જણાવી રહ્યા છે કે, શાકભાજી હોલસેલનો ભાવ તો 55 રૂપિયાથી 65 રૂપિયા ચાલી રહ્યા છે. આ રિટેઈલના વેપારીઓ ખોટા ભાવો લઈ રહ્યા છે. રિટેઈલના વેપારીઓ જણાવી રહ્યા છે કે, વહેલી સવારે હોલસેલમાં શાક ખરીદવા જવું પડે છે. શાક ખરીદીને તેને ઓટોરિક્ષામાં વેચાણના સ્થળે જતા હોય છે. એટલે ખર્ચા કાઢીને કિલોએ રૂપિયા ૩૦ કમાવા તો પડે ને? આમ રિટેઈલરોની મનમાનીના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.