ઉત્તરાયણનો માહોલ શહેરની પોળોમાં કંઇ અલગ જ હોય છે. અમદાવાદમાં એ કાઇપોના અવાજો વચ્ચે પોળોમાં ઉત્તરાયણ માણવાનો જાણે એક ટ્રેન્ડ જામ્યો છે. પોળના ધાબાના ભાડામાં પણ દર વર્ષે વધારો થતો રહ્યો છે. પતંગરસિયાઓ માટે પોળનાં ધાબા હોટ ફેવરિટ બન્યાં છે. કેટલાક પતંગ રસિયાઓએ તો ઉત્તરાયણમાં પોળમાં ધાબુ ભાડે જોઇએ તો તેવી જાહેરાત આપીને મનગમતા ધાબાઓની પસંદગી કરી છે. બે દિવસનું ભાડું રૂ 15-20 હજાર હતું, જે આ વર્ષે વધીને 25 હજાર થયું છે. પતંગરસિયાઓ આટલુ ભાડુ ચૂકવીને પણ પોળની ઉત્તરાયણ માણવા આતુર બન્યા છે.
મયુર દવે, જેઓ ખાડિયાના કોર્પોરેટર છે તેમણે જણાવ્યું, ‘ચાલુ વર્ષે ખાડિયા અને પોળ વિસ્તારમાં ધાબાની ડિમાન્ડ વધી છે. ગત વર્ષ કરતા આ વખતે ડિમાન્ડ સાથે ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે 200 થી 250 ધાબાનું બુકીંગ થયુ હતું. પરંતુ આ વખતે જાન્યુઆરીની શરૂઆતથી જ ધાબાનું બુકીંગ થઇ ગયું છે. ગત વર્ષે નાના ધાબાના 5 હજાર અને મોટા ધાબાના 10 હજાર ભાડા હતા. પરંતુ આ વખતે ડિમાન્ડ વધતા ભાડામાં વધારો થયો છે. 15 હજારના 20 હજાર કરાયા છે’.

વધુમાં તેઓ જણાવે છે કે, ‘ઉત્તારાયણ પર્વ પર બહાર ગામથી લોકો અહીં આવે છે. જેના પગલે અહીં સ્થાનિક રોજગારી પણ વધે છે. આ વર્ષે ધાબાના ભાડામાં પાંચથી સાત હજારનો વધારો થયો છે. આટલું ભાડું હોવા છતાંય ધાબા ભાડે મળતાં નથી. ધાબાંના માલિકો જાતે જ કેટરિંગ સર્વિસ સાથેના પેકેજ પૂરાં પાડે છે, જેમાં સવારનો બ્રેકફાસ્ટ, લન્ચ અને હાઈ-ટીનો સમાવેશ થાય છે.
આ સાથે જ અનેક રસિકો હેરિટેજ સિટીની પોળમાં ઉત્તરાયણની મજા લેવા માગતા હોય છે તેવા રસિકો માટે ખાડિયામાં મકાન માલિક પતંગરસિકોને ધાબા રેન્ટ પર આપી રહ્યા છે. આ સુવિધાઓનો લાભ લેવા તેમની પાસે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓ જ નહીં, પરંતુ મુંબઈમાંથી પણ ઈન્કવાયરી આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી અને વર્તમાનમાં દેશના વડાપ્રધાન ખુદ અમદાવાદની અલગ અલગ પોળમાં જઇ પતંગ ચગાવતા હતા. અને સાથે અનેક ફિલ્મની હસતિઓ પણ પતંગ ચગાવાની મજા માણે છે. ત્યારે આ સિલસિલો મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમનાં પત્ની અંજલી રૂપાણીએ પણ ગત વર્ષે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પતંગ ચગાવી ઉત્તરાયણ સેલિબ્રેટ કરી હતી. આ વર્ષે પણ ઉત્તરાયણમાં પોળોમાં કોઇ સેલિબ્રિટી કે મહાનુભાવો મહેમાન બની તહેવારની મોજ માણે તેવી પૂરી શકયતા છે.
