સરકારે ખાંડની નિકાસ માટે સમયમર્યાદા વધુ ત્રણ મહિના વધારી ડિસેમ્બર 2020 કરી દીધી છે. સરકારના આ નિર્ણયથી સુગર મિલો વધારે ખાંડ નિકાસ કરી શકશે. હાલની કોરોના મહામારીમાં વૈશ્વિક સપ્લાયમાં ઘટાડાનો લાભ દેશની સુગર મિલોને મળે તેની સંભાવના છે. સરકારના આ નિર્ણયથી મિલો ખેડૂતોને શેરડીના બાકી રૂપિયાની ચૂકવણી કરી શકશે. ઓક્ટોબર-સપ્ટેમ્બર 2019-20માં સુગર મિલોએ 57 લાખ ટનના નિકાસ કરાર કર્યા છે. જે 60 લાખ ટનના નિકાસ લક્ષ્યાંકની નજીક છે. સરકાર દર વર્ષે મેક્સિમમ એડમિસિબલ એક્સપોર્ટ ક્વોન્ટિટી હેઠળ નિકાસની માટે અલગ-અલગ સુગર મિલોનો ક્વોટા નક્કી કરે છે.
આ મામલે ખાદ્ય મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, સુગર મિલો તેમણે ચાલુ મહિનાના અંત સુધીમાં ખાંડ સીઝન 2019-20ના એમએઇક્યુ ક્વોટાની નિકાસ કરી છે, તેમને ચાલુ કેલેન્ડર વર્ષના અંત સુધી પોતાને ફાળવેલા ક્વોટાના બાકી હિસ્સાની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે.
આ પણ વાંચો : જીવન વીમા ઉદ્યોગે લોકડાઉનના લીધે રૂ.45,000 કરોડનું પ્રીમિયમ ગુમાવ્યું
સરકારના આ નિર્ણયથી સુગર મિલોની પાસ રોકડ રકમ વધશે. જેનાથી તેઓ ખેડૂતોને બાકી રહેલી રકમ ચૂકવી શકશે. હાલમાં, સરકાર સુગર મિલોને ખાંડની નિકાસ માટે પ્રતિ ટન દીઠ 10,448 રૂપિયાની સબસિડી આપે છે. સુગર મિલો પર શેરડી ઉત્પાદક ખેડૂતોનું રૂ.13,000 કરોડનું લેણું બાકી છે. હાલમાં ચાલતી કોરોના મહામારીમાં વૈશ્વિક બજારમાં ખાંડની માંગ વધી છે. થાઇલેન્ડમાં દૂષ્કાળ છે, જેથી થાઈલેન્ડ પર નિર્ભર દેશ ઇન્ડોનેશિયા અને મલેશિયા હવે ભારત પર નિર્ભર છે. નિકાસની સમયમર્યાદા લંબાતા 60 લાખ ટન ખાંડનો નિકાસ લક્ષ્યાંક હાંસલ થવાની અપેક્ષા છે.
