હાલમાં ચાલતી કોરોના મહામારીમાં ડોકટરો, નર્સીગ સ્ટાફ સહિતના આરોગ્ય કર્મીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. કોરોના દર્દીઓની સારવાર કરતા ઘણા કોરોના વોરિયર્સની મૃત્યુ પણ થઇ છે. કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સના પરિવારજનોને સરકારે સહાય કરવાની જાહેરાત કરી છે. કોરોના દર્દીઓની સારવાર કરતા સુરત નવી સિવિલના હેડ નર્સ સ્વ.રશ્મિતાબેન પટેલ અવસાન પામ્યા હતા. તેમના પરિવારને કેન્દ્ર સરકારે રૂ.50 લાખ સહાય મંજુર કરવામાં આવી હતી. આ સહાયનો ચેક નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્તે તેમના પરિવારજનોને અર્પણ કરાયો. સી.આર.પાટીલે કહ્યું કે, કોરોના સમયે ડોકટર, નર્સ અને અન્ય સ્ટાફગણ દિવસ-રાત ખડેપગે રહી ફરજ બજાવી રહ્યા છે. તેમની સેવાની બિરદાવીને કેન્દ્ર-રાજય સરકાર દ્વારા સહાય ઝડપથી મંજુર કરવામાં આવી છે.

નવી સિવિલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં ફરજ બજાવતા હેડ નર્સ સ્વ.રશ્મિતાબેન પટેલનું તા.20 જુલાઇના રોજ નિધન થયું હતું. રાજય સરકારના આરોગ્ય વિભાગની દરખાસ્ત બાદ માત્ર 10 દિવસમાં જ સહાય મંજુર કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 90 જેટલા નર્સીગ સ્ટાફ કોરોનાની ચપેટમાં આવ્યા હતા. જેમાંથી સ્વ.રશ્મિતાબેન પટેલ અને સ્વ.સુનિલ નિમાવતનું નિધન થયું હતું. સ્વ.સુનિલ નિમાવતની સહાય આપવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. અત્યાર સુધી રાજયમાં કોરોથી મૃત્યૃ થયેલા બે નર્સીગ સ્ટાફના પરિવારને સહાય અપાઇ છે.
આ અવસરે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસોસિયશેનના સેક્રેટરી કિરણ દોમડીયા, દક્ષિણ ગુજરાતના રી-પ્રેન્ટેટીવ દિનેશ અગ્રવાલ, ચેમ્બર્સના માજી પ્રમુખ પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
