2004ના વર્ષ પછી રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં નોકરી મેળવનારા કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ અમલમાં મુકાઇ છે, જેનો હવે મોડે માડે ગુજરાતના કર્મચારીઓ દ્વારા પણ વિરોધ ચાલુ થયો છે. રાજસ્થાન સરકારે કર્મચારીઓને ઓછી લાભદાયી એવી નવી પેન્શન સ્કીમ-એનપીએસને રદ કરીને જૂની સ્કીમ ફરી લાગુ કરવાની જાહેરાત કરી છે, જેને પગલે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં રાજ્ય સરકારો પણ તેમના કર્મચારીઓના વિરોધનો સામનો કરી રહ્યા છે. આ પેન્શન સ્કીમ રદ કરવાને લઇને કોંગ્રેસે તેના સંકલ્પપત્રમાં સમાવેશ કરતાં આ મુદ્દો ગુજરાતના રાજકારણમાં ગરમાય એ બાબત હવે નક્કી છે. એવા સંજોગોમાં વિધાનસભામાં પણ નવી પેન્શન સ્કીમ રદ કરવાને લઇને મોટી નવા જૂની થાય એમ છે.
ગાંધીનગર ખાતે સચિવાલયના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના રદ કરવા તાજેતરમાં જ મુખ્યમંત્રી કાર્યાલયને પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે કર્મચારીઓને ઓછી લાભદાયક સ્કીમ રદ કરીને જૂની પેન્શ સ્કીમ ચાલુ કરવી જોઇએ. ગુજરાતભરના વિવિધ કર્મચારીમંડળ પણ આ મુદ્દે વિરોધ કરી તેમના જિલ્લાના કલેકટરને આવેદનપત્ર આપીને વિરોધ દર્શાવ્યો છે. હવે એક મહિનો લાંબો વિધાનસભા ચાલતી હોય ત્યારે કર્મચારીઓનો વિરોધ રાજ્ય સરકારને ભારે પડે તેમ છે. ગુજરાત સરકારના નિવૃત્ત કર્મચારીઓને નવી પેન્શન યોજનાના સ્થાને જૂની પેન્શન યોજના મુજબ જ લાભો આપવા માટે ગુજરાત સચિવાલય સેકશન ઓફિસર એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને માગણી કરવામાં આવી છે.

ગાંધીનગરમાં સચિવાલયના સેકશન ઓફિસર એસોસિયેશનના મહામંત્રી બિંદેશવન ગોસાઈએ કહ્યું હતું કે બંધારણની સાતમી અનુસૂચિ હેઠળ રાજ્ય દ્વારા અથવા રાજ્યના એકીકૃત ભંડોળમાંથી ચૂકવવામાં આવતા પેન્શનનો ઉલ્લેખ રાજ્ય સૂચિના વિષયોમાં 42મા સ્થાને કરાયો છે. એ મુજબ રાજસેવકોને કરવાની થતી પેન્શનની ચુકવણી રાજ્યના વિષયસૂચિ હેઠળ સમાવેશ થાય છે, જે અંગે રાજ્ય સરકાર સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. આમ, રાજસ્થાન સરકારની જેમ ગુજરાત સરકાર પણ આગામી બજેટમાં જૂની પેન્શન યોજના લાગુ કરી 1 એપ્રિલ 2005ની અસરથી આગામી નાણાકીય વર્ષથી અમલવારી કરવા ગુજરાતના કર્મચારીઓને લાભ આપવા ધી ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે.
આજથી વિધાનસભાનું બજેટસત્ર શરૂ
ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર આજથી શરૂ થયું છે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ નાણામંત્રી કનુભાઈ દેસાઈનું પણ પ્રથમ બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે તેમની પાસે કર્મચારીઓની અપેક્ષા છે કે સરકાર જૂની પેન્શન સ્કીમને પાછી લાવે . આ ઉપરાંત કોંગ્રેસના અને વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાનું પણ પહેલું નેતાગીરીનું સત્ર છે, એ જોતાં વિધાનસભાનું આ સત્ર કર્મચારીઓના પ્રશ્ન અંગે ગરમાટો લાવશે.