મેયર હેમાલી બોઘાવાલાએ દરેક સ્ત્રી સાથે સંપર્ક સાધીને તેઓને નડતી મુશ્કેલીઓને દૂર કરવા કટિબદ્ધતા જાહેર કરી
કુલ ધી ગ્લોબ એપ બનાવનાર યંગેસ્ટ પ્રાચી શેવગાંવકરે ગ્રીન એન્વાયરમેન્ટ માટે સ્ત્રીની કારકિર્દીના નવા એવન્યુઝ વિશે વાત કરી પર્યાવરણ બચાવવા હાકલ કરી
સુરત. એક નવો વિચાર અને એક નવી દિશામાં આગળ વધવાના સંકલ્પ સાથે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા ચોથી આવૃત્તિના ભાગરૂપે શનિવાર, તા. ૯ એપ્રિલ, ર૦રર ના રોજ બપોરે ૩:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે ‘નેશનલ વિમેન કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા ઉપસ્થિત રહયા હતા. જ્યારે વકતા તરીકે ભાવનગરના મોટીવેશનલ સ્પીકર તેમજ સ્પેશિયલ એજ્યુકેશન ટીચર નેહલ ગઢવી, મુંબઇના જાણીતા ગુજરાતી અને બોલીવુડ અભિનેત્રી મોરલી પટેલ, અમદાવાદના વીઝ ઓ ટેકના ફાઉન્ડર તેમજ વજ્ર ઓ ફોર્સ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશનના ચેર–મેન રૂઝાન ખંભાતા અને પૂણેના કુલ ધી ગ્લોબના ફાઉન્ડર એન્ડ સીઇઓ પ્રાચી શેવગાંવકર મહિલા સાહસિકોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

મેયર હેમાલી બોઘાવાલાએ સ્ત્રી શકિત વિશે વાત કરી હતી. તેમણે સુરત શહેરમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતી પીંક ઓટો રિક્ષાનો દાખલો આપી સ્ત્રી ઇચ્છે તે કરી શકે છે તેમ જણાવ્યું હતું. સ્ત્રી બિઝનેસ વુમનની સાથે સાથે ગૃહિણી તરીકેની પણ તેની ફરજ નિભાવે જ છે. આથી દરેક સ્ત્રી સાથે સંપર્ક સાધીને તેઓને નડતી મુશ્કેલીઓને દૂર કટિબદ્ધ થવાની હાકલ તેમણે કરી હતી.

રૂઝાન ખંભાતાએ જણાવ્યું હતું કે, બહેનોએ હવે આગળ આવવું પડશે. જમાનો બદલાઇ ગયો છે એટલે બહેનોએ પણ પોતાના વિચાર બદલવા પડશે. સપના જોવાથી એ કયારેય સાર્થક થતા નથી. એના માટે તમારે એકશનમાં આવવું પડે છે અને સપના સાર્થક કરવા માટે સતત પ્રયાસ કરવા પડે છે. કોઇપણ બાબત સતત ર૮ દિવસ માટે કરવામાં આવે તો એ સબ કોન્શીયસ માઇન્ડમાં આવી જાય છે. જીવનમાં ઘણા ડેસ્ટીનેશન આવશે અને જશે પણ સફરનો આનંદ લેવો પડશે. જો આવું કરતા થશો તો એ પછી આદત બની જશે અને જીવનમાં દરેક ચેલેન્જીસમાં જીત મળતી જશે.

પ્રાચી શેવગાંવકરે સ્ત્રીઓને ઉચ્ચતર ભણતર કેળવવા વિશેનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહયું હતું કે, સ્ત્રી કરતા આ વિશ્વમાં મોટો યોદ્ધા બીજો કોઇ નથી. તે દરેક પરિસ્થિતિને બદલવાની તાકાત રાખે છે. આથી તેમણે ગ્રીન એન્વાયરમેન્ટ માટે સ્ત્રીની કારકિર્દીના નવા એવન્યુઝ વિશે વાત કરી પર્યાવરણ બચાવવા માટે બધી સ્ત્રીઓને હાકલ કરી હતી.
મોરલી પટેલે જણાવ્યું હતું કે, સ્ત્રીઓ શકિતશાળી હતી અને છે જ. પુરુષ માટે પણ શકિતનો સ્તોત્ર એ માત્ર સ્ત્રી જ હોય છે. મોટીવેશન એમણે ત્યાંથી જ મળતું હોય છે. સ્ત્રીઓ માટે સંઘર્ષ શબ્દ નેગેટીવિટીથી ભરેલો છે એ તેના જીવનમાં સતત ચેલેન્જીસનો સામનો કરે છે. ઘર, કુટુંબ અને વ્યવસાયમાં તમામ જગ્યાએ મુશ્કેલી આવે છે. સ્ત્રીની હા અને નામાં જ સમજદારી છે અને ભવિષ્યનો ચિતાર પણ છે. જો તમારામાં સકારાત્મકતા હોય તો બ્રહમાંડ પણ તમને સપોર્ટ કરે છે.

નેહલ ગઢવીએ જણાવ્યું હતું કે, જે સ્ત્રી પુરુષ સમોવડી થવા ઘરની બહાર નીકળી જાય એ મહત્વાકાંક્ષી નથી, અધિકારીતામાં સમાનતા લાવો પણ સ્વભાવમાં નહીં. સ્ત્રીના સ્વભાવને હલાવવો અઘરો છે. વહી જવું, તુટી જવું અને નિશ્ચિત થવું એ સ્ત્રીના સ્વભાવમાં છે. આ પૃથ્વી પર સૌથી શ્રેષ્ઠ સર્જન એ સ્ત્રી છે. સર્જનશીલ હોવું એ સ્ત્રીત્વ છે. સ્ત્રીની તકલીફ, તેની પીડા અને સંઘર્ષ નહીં દેખાય ત્યાં સુધી વિમેન એમ્પાવરમેન્ટની વાતો ખોખલી છે. સ્ત્રીની સફળતા કેમ ખૂંચે છે તેવો સવાલ તેમણે કર્યો હતો. વધુમાં તેમણે કહયું કે, સ્ત્રી ગૃહિણી તો છે જ પણ તેની સાથે તે વ્યવસાયમાં પણ આગળ વધે છે. દિકરીને તો સંસ્કાર આપીએ જ છીએ પણ આજના સાંપ્રત સમાજ માટે દિકરાને દરેક સ્ત્રીનો આદર કરવાના સંસ્કાર આપવા જણાવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડિયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. લેડીઝ વીંગના સેક્રેટરી મનીષા બોડાવાલાએ વકતા રૂઝાન ખંભાતાનો પરિચય આપ્યો હતો. લેડીઝ વીંગના એડવાઇઝર રોમા પટેલે વકતા મોરલી પટેલનો પરિચય આપ્યો હતો. વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ વકતા પ્રાચી શેવગાંવકરનો પરિચય આપ્યો હતો. જ્યારે લેડીઝ વીંગના કો–ચેરપર્સન તેમજ વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ વકતા નેહલ ગઢવીને પરિચય આપ્યો હતો. સમગ્ર કોન્કલેવનું સંચાલન ચેમ્બરના ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસી અને લેડીઝ વીંગના જોઇન્ટ સેક્રેટરી સ્વાતિ જાનીએ કર્યું હતું. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માની કોન્કલેવનું સમાપન કર્યું હતું.