હાલ કોરોના વાયરસને લઇ સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. આ લોકડાઉનને લઇ સૌથી વધુ પરેશાન થઇ રહ્યું છે તો શ્રમિકો અને મજુર વર્ગ. ત્યારે તેઓની ચિંતાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશ્નર દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. જેમાં શહેરના તમામ ઉદ્યોગપતિઓ કે કારખાનેદારોને કામ કરતા કર્મચારીઓને આગામી ત્રણ દિવસમાં પગાર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે જો આવું ન કરવામાં આવે તો તેઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
3 એપ્રિલ સુધીમાં કર્મચારીઓને પગાર ચૂકવવાનો રહેશે

લોકડાઉનની પરિસ્થિતિને લઇ હાલાકીનો સામનો કરી રહેલા કર્મચારીઓ મજૂરોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માફી માંગી જરૂરી તમામ પગલાં ભરવાની ખાતરી આપી હતી. જેના ભાગ રૂપે આજે જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ અને સુરત શહેર પોલીસ કમિશનર આર.બી. બ્રમ્હભટ્ટ દ્વારા એક ઉચ્છસ્તરીય મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાં જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે તેઓને કર્મચારીઓને 3 એપ્રિલ સુધી માર્ચ મહિનાનો પગાર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનું પાલન ન કરનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ચીમકી જિલ્લા કલેક્ટર દ્વારા ઉચ્ચારવામા આવી હતી. તેમજ પોલીસ કમિશનર દ્વારા આવું ન કરનારા વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવવાંમાં આવ્યું હતું.
ઘરે પગાર પહોંચાડવાનો આદેશ

લોકડાઉનની પરિસ્થિતિમાં કર્મચારીઓ પગાર લેવા નથી જઈ શકતા, તેવા સમયે તેઓ માટે પણ પોલીસ કમિશનર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મિલમાલિકો-કારખાનેદારો દ્વારા નિયત સમય ગાળા દરમિયાન નિયત કર્મચારીઓના ઘરે તેઓએ વેતન પહોંચાડવાનું રહેશે. જે માટે તેઓને કોઈ તકલીફ ન થાય માટે પણ પોલીસ કમિશ્નર દ્વારા તૈયરી કરવામાં આવી છે.
આ પણ વાંચો : કોંગ્રેસે લોકડાઉનમાં નોકરી અને પગાર માટેની કરી માંગણી…
