ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સતત પાણીની આવકમાં છેલ્લા અનેક દિવસથી થઈ રહી છે. જેથી ડેમની સપાટીમાં વધારો થયો છે. પાણીની આવક 72 હજાર ક્યુસેક કરતા વધી ગઇ છે. બીજી તરફ ઉકાઈ ડેમની સપાટી 342.75 ફૂટ છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફુટ છે અને ભયજનક સપાટી 345 છે. ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધતા વહીવટી તંત્ર દ્વારા જેટલું પાણી અત્યારે ડેમમાં આવક છે એટલું જ પાણી ડેમના ચાર દરવાજા 4 ફૂટ ખોલીને છોડવામાં આવી રહ્યું છે.

ઉકાઈ ડેમની અંદર પાણીની આવક વધતા હવે વહીવટી તંત્ર દ્વારા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમ તેના ભયજનક સપાટીથી ખૂબ જ નજીક હોવાથી હવે વહીવટી તંત્ર સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખીને બેઠું છે. ઉકાઇ ડેમના કેચમેન્ટ વિસ્તાર અને હથનુર ડેમમાંથી પાણીની આવક ઉકાઈ ડેમમાં થતાની સાથે જ ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે હાલ જે સ્થિતિ છે. તેનાથી વધુ પાણી ડેમમાં એકત્રિત કરવું એ જોખમી પુરવાર થઈ શકે છે, અને તેના કારણે જ વહીવટી તંત્ર દ્વારા જેટલું પાણી આવી રહ્યું છે. એ જ પ્રમાણે વધુ પાણી પણ છોડવામાં આવશે.
ઉકાઈ ડેમમાં જે રીતે પાણીનો સંગ્રહ થયો છે. તે જોતા હવે સુરત અને તાપી જિલ્લાના લોકોને પીવાના પાણીની અને સિંચાઇના પાણી માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી થાય તેવી શક્યતા નથી. એકથી બે વર્ષ સુધી પાણી પૂરતું મળી રહે તેવી વ્યવસ્થા થઈ ગઈ છે. સિંચાઈ માટે પણ ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી સ્થિતિ છે. આ વખતે ઉકાઇ ડેમમાં પાણીની આવક ખૂબ વિલંબથી થઈ હતી. વરસાદ ખેંચાતા થોડા સમય માટે વહીવટીતંત્ર માટે ઉકાઈ ડેમમાં પાણી ભરાશે કે, કેમ તે ચિંતા હતી. પરંતુ, હાલ જે રીતે છેલ્લા દસ પંદર દિવસથી મેઘરાજાએ મેઘ મહેર વરસાવી છે. તેના કારણે દક્ષિણ ગુજરાતના તમામ જળાશયો છલકાઈ ગયા છે.