મલ્ટીપ્લેક્સીસ અને સિનેમા હોલને 50% ક્ષમતા સામે 15 ઓકટોબરથી ખોલવાની સરકારે છૂટ આપી છે, પણ લોકડાઉનના 6 મહિનામાં મોટી ખોટ ખાનારા સિનેમા હોલ અને મલ્ટીપ્લેકસ માલિકાને ડર છે કે સરકારની છૂટ છતાં દર્શકો પુરતી સંખ્યામાં આવશે નહીં. ગુજરાત મલ્ટીપ્લેકસ ઓનર્સ એસોસીએશનના ચેરમેન મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે સિનેમા હોલ શરુ કરવા વાટ જોઈએ છીએ, પણ કેટલા લોકો આવશે તે વિષે અમને શંકા છે.

અમે 50% ક્ષમતા સામે ધંધો કરીએ તો પણ કેટલા લોકો ખરેખર આવશે એની અમને ખબર નથી. સરકાર આ મામલે વિગતવાર સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (એસઓપી) બહાર પડે એ પછી અમે તેને અનુસરી કામ કઈ રીતે શરુ કરવું તેનો નિર્ણય કરીશું.
આ પણ વાંચો : ત્રણ અબજ ડોલરની સપાટી ક્રોસ કરી ગઈ નિકાસ
ઉદ્યોગથી પરિચિત લોકોના જણાવ્યા મુજબ નવી ફીલ્મોની રિલીઝ મુલત્વી રખાઈ હોવાથી બ્લોક બસ્ટર રિલીઝ નહીં કરાય તો એની દર્શકોની સંખ્યા પર અસર પડશે. કેટલાક થિયેટર માલિકોના જણાવ્યા મુજબ ઓનલાઈન સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર કેટલીય ફીલ્મો રિલીઝ થઈ એનાથી પણ તેમને ફટકો પડયો છે. ન્યુ નોર્મલ હેઠળ સિનેમા-મલ્ટીપ્લેકસ સંચાલનનો ખર્ચ વધશે. પટેલે જણાવ્યું હતું કે અમે વીજબીલમાં અને ટેકસીસમાં રાહત માંગી છે જેથી અમારો બીઝનેસ ટકી રહે.
