શહેરમાં કોરોનાનો કહેર હીરાના એકમો બાદ હવે ટેક્સટાઈલ ઉદ્યોગમાં ફેલાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 82 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ત્યારે આ વધતા કેસોને ધ્યાનમાં રાખીને FOSTTA(Fedreration of surat textile traders Association)એ એક જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામાં મુજબ, ટેકસટાઇલ માર્કેટમાં વધતા કોરોનાના સંક્રમણને લઇ સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની અને મેયર જગદીશ પટેલે ફોસ્ટા સાથે મિટિંગ કરી હતી. જેમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિયમો બધા કપડાં માર્કેટને આગામી સૂચન સુધી લાગુ થશે.
મિટિંગમાં લેવાયા મહત્વના નિર્ણયો

સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની બધી દુકાનો સોમવારથી શુક્રવાર સુધી સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ખુલી રહેશે. રવિવાર-શનિવારે બંધ રહેશે. જો કોઈ વેપારીએ શનિ-રવિ કોઈ આવશ્યક કામ માટે દુકાન ખોલવી હોય તો માર્કેટના અધ્ય્ક્ષની મંજૂરી લેવાની રહેશે. બધા માર્કેટના વેપારીઓએ નિયમોનું માસ્ક સેનિટાઇઝર, સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. સાથે જ માર્કેટની બની કેન્ટીનો આગામી સૂચના સુધી બંધ રહેશે. તેમજ 10 વર્ષથી નાની ઉંમરના અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને માર્કેટમાં પ્રવેશ આપવામાં નહિ આવે.

જો કોઈ વેપારીને કોઈ બીમારી હોય કે તાવ, તકલીફ હોય તો તેઓને ઘરે જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે જ દુકાનદારોને અપીલ કરવામાં આવી છે કે જેટલા કર્મચારીઓની જરૂરત છે તેઓને જ કામ પર બોલાવવામાં આવે. બધા માર્કેટના વેપારીઓ તેમજ કર્મચારીઓને આ નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : સુરતના બે મોટા ઉદ્યોગો કોરોનાની ઝપેટમાં, મોટી સંખ્યામાં કર્મચારીઓ સંક્રમિત
