ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણશાલી અને અભિનેતા સલમાન ખાને અગાઉ ખામોશી, હમ દિલ દે ચુકે સનમ જેવી હિટ ફિલ્મો આપી હતી. બન્ને વચ્ચે સારી મિત્રતા હોવા છતાં પણ ક્રિએટિવ મતભેદ બન્ને વચ્ચે રહ્યા છે. થોડા સમય પહેલા સલમાન ખાન અને ભણશાલી વચ્ચે ખાસ્સી બોલાચાલી પણ થઇ હતી જેની ચર્ચા ચારેકોર હતી. ભણશાલી વરસો જુની તકરાર ભૂલાવીને ફરી સલમાન સાથે ફિલ્મ બનાવવાના પ્રયાસ કર્યા. સાલ ૨૦૧૯માં સંજય ભણશાલી સલમાન અને આલિયાને લઇને ફિલ્મ ઇન્શાલ્લાહ બનાવવાનો હતો.
આ માટે તેણે જાહેરાત પણ કરી દીધી હતી. જેને પગલે પ્રશંસકો પણ આનંદવિભોર થઇ ગયા હતા. પરંતુ થોડા દિવસો પછી બન્ને વચ્ચે ફરી મતભેદ થયા હોવાની વાત બહાર આવી હતી. તાજેતરમાં ભણશાલીએ સલમાન સાથે ફરી ફિલ્મ બનાવવા વિશે ચૂપકીદી તોડી હતી. તેણે કહ્યું હતું કે, સલમાન એક બહુ પ્યારો મિત્ર છે. ફિલ્મ પદ્દમાવત પછી હું તેની સાથે કામ કરવા ઇચ્છતો હતો. મેં મારા તરફથી પૂરતા પ્રયાસ પણ કર્યા હતા. પરંતુ કોઇ કારણોસર આમ થઇ શક્યું નહીં.
આપણે બધા જ સમય સાથે બદલાતા હોઇએ છીએ…સલમાન પણ બદલાઇ ગયો છે, અને તેની નજરમાં હુ બદલાઇ ગયો છું. ભણશાલીએ વધુમાં કહ્યું હતું કે, સલમાનને હું ફોન કરું તો પહેલાની માફક તે મારી સાથે બહુ જ સારી રીતે વાત કરે છે. અમે થોડા સમય પહેલા પણ વાત કરી હતી. અમારી વચ્ચે એવું નથી કે અમે હવે એકબીજાને પસંદ નથી કરતા કે પછી એક બીજા સાથે વાત નથી કરતા કે જાણે અમે એકબીજાને ઓળખતા નથી.
ભણશાલીએ સલમાનના વખાણ કરતાં કહ્યું હતુ કે, મારી સાથેની દોસ્તીને કારણે જ તેણે મારા માટે ખામોશી અને દિલ દે ચુકે સનમ જેવી ફિલ્મો કરી. સાંવરિયા ફિલ્મમાં પણ તેને ખાસ ભૂમિકા નિભાવી. મને તેના માટે માન છે. આજે હું જે સ્થાને છું તેમાં સલમાનનો પણ મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો છે. પરંતુ હાલની ફિલ્મનો નિર્ણય તેના હાથમાં છે. મારી સાથે કામ કરવા માટે તેણે નિર્ણય લેવો પડશે.