એરોસ્પેસ (AeroSpace) પ્રોડક્ટના નિર્માણ માટે ઓટોક્લેવ મશીન લઈને એક વિશેષ ટ્રક 10 મહિને મહારાષ્ટ્ર (Maharashtra)ના નાસિકથી કેરળ (Kerela) ના તિરુવનંતપૂરમ પહોંચી છે. આ ટ્રકમાં 74 પૈંડા (74 wheels) છે અને તે 1700 કિમી.નો રસ્તો કાપીને કેરળ પહોંચી છે. પાંચ રાજ્યોના દરેક જિલ્લામાંથી જ્યારે આ ટ્રક પસાર થતી હતી તે દરમિયાન બીજા કોઈ વાહનને ત્યાંથી પસાર થવાની પરવાનગી આપવામાં આવી ન હતી.
કેમ પડી આટલી મુશ્કેલી ?
70 ટનનું વજન લઈને જઈ રહેલી આ ટ્રકની સુરક્ષા માટે સ્પેશિયલ પોલીસની ટીમ ગાડીમાં 24 કલાક તેની સાથે રહેતી હતી. આ ખાસ ટ્રક માટે આગળનો રસ્તો બનાવવા માટે ખાડા ટેકરાવાળા રોડનું રિપેરીંગ કરવામાં આવ્યું હતું. ત્યાં સુધી કે તેના રસ્તામાં આવતા વૃક્ષો અને લાઈટના થાંભલાઓને પણ ખસેડી નાખવામાં આવ્યા હતા.

74 પૈડાવાળી મેગા ટ્રક 70 ટન વજનવાળી મશીન એરોસ્પેસ ઓટોક્લેવ લઈને શનિવારે તેના નિર્ધારીત સ્થળ કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં આવેલા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરે પહોંચી હતી. સમાન્ય ટ્રક આટલું અંતર 7-9 દિવસમાં પૂરુ કરી લેતી હોય છે. પરંતુ આ ખાસ ટ્રકને અહીં સુધી પહોંચતા 10 મહિના જેટલો સમય લાગ્યો છે.
ક્યારે ટ્રકે શરૂ કરી હતી સફર ?
ટ્રક ગયા સપ્ટેમ્બર મહિનામાં નાસિકથી રવાના થઈ હતી. આ ટ્રકમાં સવાર એક કર્મચારી સુભાષ યાદવે કહ્યું હતું કે, લોકડાઉનને કારણે અમારી મુસાફરી વધારે અઘરી બની ગઈ હતી. આંધ્ર પ્રદેશમાં લોકડાઉન હોવાને લીધે એક મહિનો અમારી ટ્રકને ત્યાં રોકી રાખવી પડી હતી.

વોલ્વો એમએમ સીરિઝ ટ્રકની સાથે અમારી 30 લોકોની ટીમમાં એન્જીનિયર્સ અને મિકેનીક પણ હાજર હતા. તેણે કહ્યું હતું કે, ટ્રકમાં લઈ જવામાં આવનાર મશીનની ઊંચાઈ 705 મીટર અને પહોળાઈ 7 મીટર હતી. જેને કારણે ચેઝીઝ ઘણું મજબૂત બનાવવામાં આવ્યું હતું. ઘણી જગ્યાઓએ આગળ જવા માટે રસ્તા પહોળા કરવામાં આવ્યા હતા અને વૃક્ષો પણ કાપવા પડ્યા હતા.
વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના એક અધિકારીએ કહ્યું હતું કે, આ મશીનને અલગ કરી શકાય તેમ નથી. ઓટોક્લેવનો ઉપયોગ ઘણા બધા મોટા એરોસ્પેસના પ્રોજેક્ટમાં કરવામાં આવશે અને આશા છે કે કેટલાક જરૂરી સંશોધનો પછી આ મહિનાના અંત સુધીમાં તેને આવનારા પ્રોજેક્ટમાં સામેલ કરી દેવામાં આવશે.
