સમગ્ર વિશ્વમાં કોરોનાએ પોતાની પકડ જમાવી છે. ઘણા લોકો કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંકટમાં હવાઈસેવા બંધ હોવાના કારણે ઘણા નાગરિકો અન્ય દેશોમાં ફસાયા છે. આ વચ્ચે દુબઈનો એક અદભુત કેસ સામે આવ્યો છે. દુબઈમાં રહેતા તેલંગાણાના એક ગરીબ વ્યક્તિ ઓદનલા રાજેશને 3 મહિના પહેલાં કોરોના થયો હતો. કોરોના પોઝિટિવ આવતા તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ઓદનલા રાજેશની લગભગ 80 દિવસ સુધી સારવાર કર્યા બાદ તે સંપૂર્ણ સ્વસ્થ થયો. હોસ્પિટલે ઓદનલા રાજેશને ડિસ્ચાર્જ સમયે 1.52 કરોડ રૂપિયાનું બિલ ભરવાનું કહ્યું.

માહિતી મળી છે કે, ઓદનલા રાજેશને ગલ્ફ પ્રોટેક્શન સોસાયટીના અધ્યક્ષે એડમિટ કરાવ્યો હતો. એડમિટ થયા પછી પણ ગલ્ફ પ્રોટેક્શન સોસાયટી સતત રાજેશના સંપર્કમાં હતા. રાજેશની આર્થિક પરિસ્થિતિ જોવા તેઓએ બિલ અને રાજેશની સારવાર માટે દુબઈની ભારતીય વાણિજ્ય દૂતાવાસના ઓફિસરને રજૂઆત કરી હતી. ત્યારબાદ તેઓએ આ હોસ્પિટલના મેનેજમેન્ટને પણ પત્ર લખીને બિલ માફ કરવાની અપીલ કરી હતી. હોસ્પિટલે આ આગ્રહનું માન રાખીને રાજેશનું સંપૂર્ણ બિલ માફ કર્યું.
આ પણ વાંચો : ગુજરાતમાં વધતા કોરોના કેસ વચ્ચે ઘટ્યો મૃત્યુદર, જુનની સરખામણી આટલો થયો
ફક્ત આટલું જ નહિ પરંતુ, હોસ્પિટલે રાજેશ અને તેને એક સાથીને હવાઇયાત્રાની ફ્રી ટિકિટ કઢાવીને પરત ભારત મોકલ્યા હતા. તે ઉપરાંત, હોસ્પિટલે ખર્ચ પેટે 10,000 રૂપિયા પણ આપ્યા હતા. મંગળવારે રાતે રાજેશ પોતાના ઘરે પહોંચ્યા છે અને હાલમાં તેને 14 દિવસ માટે ક્વૉરન્ટાઈન રાખવામાં આવ્યા છે.
