ડીએમડી પાર્ટીપ્લોટ ખાતે 9 થી 12 જાન્યુઆરી 2020 દરમિયાન સુરતમાં પ્રથમવાર ઇન્ટરનેશનલ ફોક ડાન્સ ફેસ્ટીવલ યોજાશે. સીઓફ ઇન્ડિયા, તાલ ગ્રુપ સુરત અને સોશિયલ ફેસના સંયુકતના ઉપક્રમે આ ઇન્ટરનેશનલ ફોક ડાન્સ ફેસ્ટીવલ યોજાશે. સુરતના હેરીટેજ કિલ્લાના પુનરોધ્ધાર પછી પ્રથમવાર તારીખ 11 જાન્યુઆરીના રોજ સાંજે 5 થી 10 કલાક દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદેશથી આવેલા મહેમાનો કિલ્લાને નિહાળી શકશે. આ ફેસ્ટીવલમાં 5 દેશોના કલાકારો પોતાની સંસ્કૃતિ કલા અને ફોક ડાન્સનું પ્રદર્શન કરશે. વિદેશી આવેલા મુલાકાતીઓને ડુમસનો દરિયા કિનારો બતાવવામાં આવશે. 11 મીએ ડુમસના ફાઉન્ટન પાસે સવારે 8 થી 11 દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

8 થી 60 વર્ષની વયના 40 જેટલા કલાકારો જુદી જુદી ફોક ડાન્સ ઇવેન્ટમાં ભાગ લેશે. જેમાં જયોર્જીયા, બલ્ગેરિયા, નાઇજીરીયા, સ્વિટઝર્લેન્ડ, પ્રાગ જેવા દેશોના કલાકારો ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બંગાળ અને પંજાબના ફોક ડાન્સની પ્રસ્તુતિ કરાશે. આ મહોત્સવ દરમ્યાન રાજ્ય સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

સુરતના 5000 કલા રસીકો આંતરરાષ્ટ્રીય ફોક ડાન્સ ફેસ્ટીવલ કાર્યક્રમ નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે આર્ટ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોટરી, વાર્લી પેઇન્ટીંગ, મેંહદી આર્ટ, બ્લોક પ્રિન્ટીંગ કલા પણ જોવા મળશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કલાકારો પણ ભાગ લઇ શકશે. આ કાર્યક્રમ 9 થી 11 જાન્યુઆરી સુધી ચાલશે. ડીએમડી પાર્ટીપ્લોટ પર 10 તારીખે સાંજે 6 થી 8, 11 તારીખે ડુમસમાં 8 થી 10 અને કિલ્લાના મેદાનમાં સાંજે 5 થી 9 દરમ્યાન જુદા જુદા કાર્યક્રમો યોજાશે. 12 તારીખે 6 થી 7 દરમ્યાન ફોક ડાન્સની પૂર્ણાહુતિ થશે.
