તહેવારો અને વેકેશનમાં રાજકોટ ઝૂ પ્રવાસીઓ માટેનું ફેવરીટ સ્થળ બની ચુક્યુ છે. દિવાળીના તહેવારોની શરૂઆત થી અત્યાર સુધીમા ઝૂની 81,000 થી પણ વધારે મુલાકાતીઓ મુલાકાત લીધી છે જેની રાજકોટ મહાનગરપાલિકાને રૂ.20.00લાખથી પણ વધારે આવક થયેલ છે.

દર વર્ષે વન્યપ્રાણી વિનીમય હેઠળ ભારતના અન્ય ઝૂ પાસેથી નવા નવા વન્યપ્રાણી-પક્ષીઓ મેળવી રાજકોટ ઝૂનો વિકાસ કરવામાં આવે છે.સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાન અને એમ.સી. ઝૂલોજીકલ પાર્ક, છત્તબીર વચ્ચે વન્યપ્રાણી-પક્ષીઓ વિનીમય કરવા મંજૂરી મળતા પ્રાણી-પક્ષીઓ મેળવવામાં આવેલ છે.

રાજકોટ ઝૂમાં હિમાલયન રીંછ, વિદેશી વાનર હમદ્રયાસ બબુન, જંગલ કેટ અને કેટલાક નવા વિદેશી પક્ષીઓ જોવા મળશે. બદલામાં રાજકોટ ઝૂ દ્વારા એશિયાઈ સિંહની એક જોડી, એક સફેદ વાઘ અને એક જંગલ કેટ આપવામાં આવી છે.

આફ્રિકન વાનર હમદ્રયાસ બબુન ૧:૧ (નર-૧, માદા-૧) પૈકી માદા વાનર ૧ લાવવામાં આવેલ છે. બબૂન નર હાલ છતબીર ઝૂ ખાતે ઉપલબ્ધ ન હોય, ટૂંક સમયમાં તેઓ દ્વારા બબૂન નર અન્ય ઝૂ પાસેથી મેળવી રાજકોટ ઝૂને સોંપવામાં આવશે. હાલ આ તમામ પ્રાણી-પક્ષીઓને ત્રણ અઠવાડીયા સુધી ક્વોરેન્ટાઇનમાં અવલોકન હેઠળ રાખવામાં આવેલ છે. ક્વોરેન્ટાઇન સમય પૂર્ણ થતા મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવશે.
ગુજરાતના એક પણ ઝૂમાં વિદેશી વાનર હમદ્રયાસ બબૂન રાખવામાં આવેલ નથી. આથી રાજકોટ ઝૂ બબૂન વાનરોને પ્રદર્શીત કરનાર ગુજરાતનું પ્રથમ ઝૂ બનેલ છે.
