1 લી જુલાઈએ દેવશયન એકાદશી છે અને તે દિવસથી ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ વિશ્રામ કરતા હોય છે અને અગિયારથી જ ચતુર્માસ શરૂ થાય છે. હિંદુ માન્યતા પ્રમાણે આ ચાર મહિના દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી અને તહેવારોની શરૂઆત થાય છે. દેવપોઢી એકાદશીથી દેવઉઠી એકાદશી સુધીના સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે. પરંતુ આ વર્ષે અધિક માસ હોવાને લીધે ચાતુર્માસ ચારને બદલે પાંચ મહિનાનો રહેશે. શ્રાદ્ધ પૂરા થયા પછી શરૂ થતા તહેવારો હવે 20-25 દિવસ મોડા શરૂ થશે.
આ વખતે અધિક માસ આસો મહિનામાં આવતો હોવાથી બે આસો મહિના હશે અને તેને લીધે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો દર વર્ષ કરતા 20-25 દિવસ મોડા શરૂ થશે. આ વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ શ્રાદ્ધ પૂરા થાય છે, પરંતુ તે પછી તરત અધિક માસ શરૂ થઈ જશે, જે 16 ઓક્ટોબરના રોજ પૂરો થશે.

અધિક માસ બાદ 17 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થશે અને તેના 15 દિવસ પછી એટલે કે 14 નવેમ્બરના રોજ દિવાળી આવશે અને 26 નવેમ્બરના રોજ દેવઉઠી અગિયારસે ચાતુર્માસ પૂર્ણ થશે. 19 વર્ષ પહેલા 2001માં આસો મહિનાનો અધિક માસ આવ્યો હતો. અંગ્રેજી કેલેન્ડરનું લીપ યર અને આસો મહિનાના અધિક માસનો સંયોગ 160 વર્ષ પછી બની રહ્યો છે. આ પહેલા 1860માં અધિક માસ અને લીપ યર સાથે આવ્યું હતું.
ચાતુર્માસનું મહત્ત્વ અને આ મહિના દરમિયાન શું કરવું જોઈએ
ચાતુર્માસ દરમિયાન સંતો-મહંતો ચાર મહિના એક જ સ્થળે રોકાઈને ભજન-ભક્તિ કરે છે અને વળી આ સમય વર્ષા ઋતુનો હોવાથી નાના-નાન જીવ જંતુ વધારે માત્રા હોય છે અને વિહાર કરતા તેમને નુકસાન પહોંચવાની શક્યતા વધુ હોવાથી તેઓ એક જ જગ્યાએ રહે છે. જૂની લોકવાયકા પ્રમાણે ચાતુર્માસના ચાર મહિના વિષ્ણુ ભગવાન વિશ્રામ કરે છે અને તેમની જગ્યાએ ભગવાન શિવ સૃષ્ટિનું સંચાલન કરે છે.

અધિક માસ દરમિયાન કોઈ પણ શારૂ કામ કરવામાં આવતુ નથી અને આ મહિનાને મળમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અધિમાસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે કારણ કે આ માસ દરમિયાન ભગવાને પોતાના ભક્તોને તેમની આરાધના કરવાની સાથે, ભાગવતની કથા સાંભળવાનું, ભગવાન શિવની પૂજા, ધાર્મિક અનુષ્ઠાન, દાન કરવાનું કહેવામાં આવ્યું છે. આમ કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થશે.
