ગુજરાતમાં સુરત સહિત 6 મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત 32 જિલ્લા પંચાયત તથા સંખ્યાબંધ તાલુકા પંચાયતોની ચૂંટણી વિશે રાજકારણ ગરમાયુ છે. કોરોના મહામારીના કારણે ચૂંટણી યોજવી કે પાછી ઠેલવી તે વિશે ચૂંટણી પંચ પણ અવઢવમાં હોવાનો નિર્દેશ છે. રાજ્યના ચૂંટણી પંચ દ્વારા આ મામલે આજે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી તેમાં સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓના ખાસ હાજર રાખવામાં આવ્યા હતા. જોકે ચૂંટણી વિશે કોઇ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી.

રાજયમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે પરંતુ પંચાયતોની ચૂંટણીની કવાયત ખુબ જ મોટી બની રહે તેમ હોવાના કારણે ચૂંટણી પંચ પણ અવઢવમાં છે. કેટલાક દિવસોથી કોર્પોરેશન તથા પંચાયતોની ચૂંટણી મોડી થવાની અટકળો ચાલી જ રહી છે પરંતુ હજુ ચૂંટણી પંચ દ્વારા કોઇ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી. તેવા સમયે આજે ચૂંટણી પંચે પંચાયત, મહેસુલ, શહેરી વિકાસ, શિક્ષણ, ટ્રાન્સપોર્ટ સહિતના વિભાગોના ઉચ્ચ અધિકારીઓને હાજર રાખીને બેઠક કરતા અટકળોએ નવેસરથી જોર પકડયુ છે.
સુત્રોના કહેવા પ્રમાણે ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજવા માટે તૈયારી તો કરી જ રાખી છે. મતદાર યાદીનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. રસપદ વિગતો એવી છે કે આ ચૂંટણીમાં અંદાજીત 8500 ઉમેદવારો ચૂંટાશે, 47700 મતદાન મથકો ઉભા કરવા પડશે, દોઢ લાખ કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવી પડશે. આ પ્રકારની મોટી કવાયત કોરોના કાળમાં કેવી રીતે સુરક્ષીત બનાવી શકાય તે દિશામાં પણ ચૂંટણી પંચ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.
કોર્પોરેશન તથા પંચાયતની ચૂંટણીઓ નહીં યોજવા માટે અત્યાર સુધીમાં જુદા જુદા સંગઠનોએ રજુઆતો કરી જ છે. 18 થી 22 સપ્ટેમ્બર દરમ્યાન રાજકીય પક્ષો સાથેની બેઠકમાં પણ ચૂંટણી પંચ સમક્ષ અમુક પક્ષોએ ચૂંટણી નહીં કરવા માંગણી કરી હતી. પરંતુ ચૂંટણી પંચ દ્વારા કોઇ આખરી નિર્ણય હજુ સુધી લેવાયો નથી. ચૂંટણી પંચ વિવિધ વિભાગો સાથે બેઠકમાં પરિસ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ જ આખરી નિર્ણય લેવાના મુડમાં છે.
આ પણ વાંચો : આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર કોઈ વ્યક્તિને નહિ પરંતુ સંસ્થાને મળ્યો, જાણો કઈ છે સંસ્થા ?
એક વર્ગ એવું માને છે કે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી નહીં યોજાય રાજયમાં 6 કોર્પોરેશન, 31 જિલ્લા પંચાયત તથા 228 તાલુકા પંચાયતની મુદત આવતા મહિનામાં પુરી થઇ રહી છે. કોરોના તથા વ્યવસ્થા તંત્રને ધ્યાનમાં રાખીને ચૂંટણી ત્રણેક મહિના પાછી ઠેલવવામાં આવે તેવી શકયતાનો ઇન્કાર થતો નથી. શિક્ષકો, મહેસુલી કર્મચારીએ તો અગાઉ જ ચૂંટણી કામગીરી સામે નારાજગી દર્શાવી હતી.
