આગામી સપ્તાહે મળી રહેલા ગુજરાત વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્રમાં ભાજપના ધારાસભ્યોને વ્હીપ આપવા અંગેની ખાસ બેઠક આજે સાંજે 6 કલાકે વિધાનસભા ખાતે મળશે. જેમાં નવા મંત્રીઓની સાથે જૂના મંત્રીઓ અને સિનિયર ધારાસભ્યોને અઢી લીટીનો વ્હીપ આપી પટેલ સરકારની સાથે રહેવાનો આદેશ આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની નવ નિયુક્ત સરકારનું આ નવું સત્ર આગામી 27 અને 28 સપ્ટેમ્બર (સોમવાર)ના રોજ મળી રહ્યું છે.
વિપક્ષ કોંગ્રેસ પણ નવનિયુક્ત મુખ્યમંત્રી અને નવા મંત્રી મંડળને પ્રશ્નોના મારા વચ્ચે ઘેરવા માટે કટિબદ્ધ છે. ત્યારે બે દિવસના ટૂંકા સત્રમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિધાનસભા ગૃહમાં આક્રમક દ્રશ્યો સર્જાય થાય તો નવાઇ નહી. ઉલ્લેખનીય છે કે ચોમાસાના ટૂંકા સત્રના પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા રવિવારે તમામ ધારાસભ્યોની ખાસ મીટીંગ બોલાવવામાં આવી છે. જેમાં ખાસ વ્હીપ આપવામાં આવશે.
જોકે સમગ્ર સત્રમાં જૂના રાજકીય જોગીઓ (પૂર્વમંત્રીઓ) નવા મુખ્યમંત્રી અને તેના મંત્રી મંડળને સાથે રાખી બે દિવસનું આ સત્ર કેવા સહયોગથી પસાર કરે છે? અને સત્ર દરમિયાન સરકારના પૂર્વ મંત્રીઓ વિધાનસભા ગૃહમાં કેટલી હાજરી આપશે તેવા તર્ક ઉપસ્થિત થયા છે. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં વ્હીપ આપી સરકારના સપોર્ટમાં રહેવાની ફરજ પાડવામાં આવશે.
બીજી તરફ સોમવારના વિધાનસભા સત્રમાં ઉપાધ્યક્ષ પદની ચૂંટણી પણ કરવામાં આવશે. જોકે વિધાનસભાના અધ્યક્ષ પદે કચ્છ ભાજપના મહિલા ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી થઇ ચૂકી છે. પરંતુ ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. જેના કારણે ઉપાધ્યક્ષ પદની ચૂંટણી થાય તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે.