યુક્રેનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ સુરત સર્કીટ હાઉસ પહોંચ્યા છે. આ બચાવ મિશન પગલે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, મેયર હેમાલી બોઘાવાલા, ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયા, વિવેક પટેલ ઉપસ્થિત છે. તેમજ વિદ્યાર્થીઓ પરત આવતા પરિવારોની આંખમાં હર્ષનાં આંસુ જોવા મળ્યા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ફસાયેલા ગુજરાત સહિત ભારતના વિદ્યાર્થીઓની સલામત સ્વદેશ વાપસી માટે કેન્દ્ર સરકાર દ્વારા ઑપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ગુજરાતના વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યા છે.

યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓને લઈને જેવી એર ઈન્ડિયાની ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પર પહોંચી, તે સાથે જ જયહિન્દના નારા ફ્લાઈટમાં ગુંજવા લાગ્યા હતા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પરત આવેલા તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. ફ્લાઈટમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે,તમે જલ્દી તમારા ઘરે પહોંચી જશો ચિંતા છોડી દો. આજે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના પ્રેસિડન્ટ સાથે વાત કરીને તમામ ભારતીયોને સુરક્ષિત રાખવા જણાવ્યું છે. હજુ પણ યુક્રેનમાં ફસાયેલા તમારા સાથીઓને સુરક્ષિત જગ્યા ઉપલબ્ધ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

આ સાથે રશિયાએ પણ વચન આપ્યું છે કે, તમામ ભારતીય નાગરિકોને હેમખેમ છોડી મૂકશે. મારી તમને એક જ વિનંતી છે કે, તમે સ્ટ્રોન્ગ બનો અને તમારા જે સાથીઓ યુક્રેનમાં ફસાયા છે તેમને પણ હિંમત આપો. બીજી એક ફ્લાઈટ પણ દિલ્હીમાં ટૂંક સમયમાં જ લેન્ડ કરશે. આજ ભારતની એક તાકાત છે. આજ તાકાતનો પરિચય આપણે એ તમામ વિદ્યાર્થીઓને આપવાનો છે, જેઓ ત્યાં અત્યારે ફસાયા છે.