ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મુશ્કેલી વધી રહી છે. 2017માં મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીની નવી સરકારની રચના બાદ સતત વિવાદોમાં ફસાયેલા છે. જેમાં ખાસ કરીને ફી નિર્ધારણ કાયદાથી લઈ વિધાનસભાની જીત સામે થયેલી ઈલેક્શન પિટિશન મુદ્દે ભીંસમાં મુકાઈ રહ્યા છે. ત્યારે તેમને માત્ર 327 મતોથી જીત મેળવી હતી.
આ સાથે જ ગાંધીનગરથી માંડીને સ્વર્ણિમ સંકુલ અને કમલમ્ ખાતે પણ એક જ ચર્ચા ચાલી રહી છે કે, ચુડાસમાનું શું થશે? આ મામલે રાજ્યના મુખ્યમંત્રી તથા ભાજપના પ્રદેશ નેતાઓ પણ ભૂપેન્દ્રસિંહની કાર્યપદ્ધતિ પર બારિક નજર રાખી રહ્યા હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો : દેશમાં પહેલીવાર આજથી ગુજરાતના મોટાં શહેરોમાં દુકાનો 24 કલાક ખુલ્લી રહેશે, આ કોઇ મજાક નથી
ખાસ વાત એ છેકે ભૂપેન્દ્રસિંહ છેલ્લા 25 વર્ષથી રાજ્યના મંત્રી મંડળના સભ્ય તરીકે કામગીરી કરી રહ્યાં છે. જેમાં તેમણે કૃષિમંત્રી અને શિક્ષણમંત્રી જેવી મહત્વની કામગીરી બજાવી છે. એટલું જ નહીં ઘણી વખત ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને એક સિનિયર મંત્રી તરીકે ડેમેજ કન્ટ્રોલરની ભૂમિકા ભજવતા હતા.
ફીના મુદ્દા પર સત્તાને અસર
હાલમાં રૂપાણી સરકારમાં રાજ્યની શાળાઓની ફી મુદ્દે ફી નિર્ધારણ અંગેનો કાયદો પસાર કર્યા બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ સૌથી વિવાદીત બનવા લાગ્યા હતા. જેમાં ખાસ કરીને વિધાનસભા ચૂંટણી દરમિયાન વાલીઓને શાળાઓમાં ફી ઘટાડા અંગેના વચનો આપ્યા બાદ એકપણ શાળામાં ફી ઘટાડો ન થતાં વાલી-વિદ્યાર્થીઓમાં શિક્ષણમંત્રી સામે ભારે રોષ ફેલાયો હતો. આ મામલે વાલી-વિદ્યાર્થીઓ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી રહ્યા છે.
2017ની ચૂંટણીનું પરિણામ
બીજી તરફ 2017ની ધોળકા વિધાનસભાની ચૂંટણીમાં તેમની જીત સામે થયેલી ઈલેક્શન પિટિશન મુદ્દે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કડક વલણના કારણે ફરી એકવાર શિક્ષણમંત્રીના ધારાસભ્યપદ સામે જોખમ ઉભું થયું છે. આ મામલે 11 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે ભૂપેન્દ્રસિંહની જીતને પડકારતી અરજી રદ કરવાનો ઈન્કાર કર્યા બાદ આ કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલે કોર્ટ મતગણતરી સમયના વીડિયો રેકોર્ડિંગની પણ તપાસ કરશે. જો હાઈકોર્ટમાં ભૂપેન્દ્રસિંહની હાર થઈ તો મંત્રીપદ પણ જોખમમાં મૂકાય શકે છે.
હવે આ અંગેની વધુ સુનાવણી 8 મેના રોજ થવાની છે ત્યારે તે પહેલાં તેમના વકીલોએ પણ તેમનો સાથ છોડી દીધો છે. આ જોતાં રૂપાણી સરકારના મંત્રીની લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલાં જ મુશ્કેલી વધી શકે છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.