અમદાવાદ(Ahmedabad)ની નવરંગપુરા ખાતે આવેલી શ્રેય હોસ્પિટલ(Shrey hospital)ના અગ્નિકાંડમાં આઠ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે રવિવારે મોદી રાત્રે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી ભરત મહંત(Bharat mahant) સામે ફરિયાદ નોંધાઈ છે. અન્ય ટ્રસ્ટી કે અન્ય કોઈ પણ જવાબદાર લોકોનો કોઈ રોલ સામે આવશે તો તે લોકો સામે પણ કાર્યવાહી કરાશે. સરકારને તપાસ રિપોર્ટ સોંપાયા બાદ આખરે નવરંગપુરા પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, ફાયર બ્રિગેડ, ઇલેક્ટ્રિસિટી સહિતના તમામ વિભાગોના તપાસ રિપોર્ટ મળ્યા બાદ તેના આધારે ગુનો નોધવામાં આવ્યો છે.
બેદરકારીનો ગુનો દાખલ કરાયો

હોસ્પિટલમાં આગનો બનાવ બન્યા બાદથી જ ટ્રસ્ટી ભરત મહંતને નજરકેદ રાખવામાં આવ્યા છે પોલીસે તેમની સામે બેદરકારીનો ગુનો દાખલ કરી તેમની ધરપકડની તજવીજ હાથ ધરી છે. બી ડિવિઝન એસીપી એલ બી ઝાલા એ જણાવ્યું છે કે, નવરંગપુરા પોલીસસ્ટેશનમાં આઈપીસી કલમ 336, 337, 338 અને 304 અ મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. તટસ્થ તપાસ થાય તે માટે એ ડિવિઝન એસીપી મુકેશ પટેલ તપાસ કરશે.
શું કહે છે FSL રિપોર્ટ

અગ્નિકાંડીની FSLના રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે, જે સમયે આગ લાગી તે આઈ.સી.સી.યુ વોર્ડમાં ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલી દીવાલોમાં લાગેલી બારીઓ સ્ક્રુથી ફીટ કરવામાં આવેલી હોવાથી ધૂમાડો બહાર ન નીકળી શક્યો હતો. જેને કારણે દર્દીઓના મોત થયા. ફાયર એન.ઓ.સી પણ એક્સપાયર થઇ ગયું હોવાના કારણે ફાયર ઓડિટ પણ થઈ શક્યું ન હતું. તેમજ જે વોર્ડમાં ફાયર એલાર્મ પણ ન હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ તાલુકામાં નોંધાયો વરસાદ, આ વિસ્તારમાં સૌથી વધુ ખાબક્યો
