હૈદરાબાદ દુષ્કર્મ કાંડ બાદ દેશભરમાં મહિલાઓની સુરક્ષા-સલામતીનો પ્રશ્ન ઉભો થયો છે. આ બનાવ બાદ મહિલાઓને સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગથી સજ્જ કરવાની પણ તાલીમ શરુ થઇ ગઈ છે. વિવિધ એનજીઓ અને સંસ્થા દ્વારા મહિલાઓ સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ મહિલાઓની સુરક્ષા-સલામતી માટે પહેલ કરવામાં આવી છે.
મુશ્કેલ અથવા અસુરક્ષા પરિસ્થિતિમાં યુવતીઓ કોઈપણ સમયે એક ક્લિક કરે તો એકસાથે 100 નંબર (પોલીસ), મહિલા હેલ્પલાઇન (181), પરિવારના સભ્યો તથા એન્ડ્રોઇડ એપના સભ્યોને કોલ લાગી જશે. અમદાવાદના જાગૃત યુવક મયંક શાહે ગ્રેન્સ ઓર્ગેનાઈઝેશન ફોર વુમન સેફટી નામની એન્ડ્રોઇડ એપ વિકસાવી છે. અવનવા ફીચર્સ સાથેની આ એપ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. એપમાં રજીસ્ટ્રેશન કર્યા બાદ મહિલા મુશ્કેલ સંજોગોમાં એપના પેનિક બટનને દબાવતા જ પોલીસ, મહિલા હેલ્પલાઇન, એપમાં રજીસ્ટર્ડ પરિવારના સભ્યો તથા મહિલાના 500 મીટર એરિયામાં ગ્રુપ કહો કે એપના સભ્યોના મોબાઈલમાં એલાર્મ વાગશે. એલાર્મ વાગવા સાથે તેઓને મહિલાનું લાઈવ લોકેશન પણ દેખાશે. મહિલા દોડી રહી છે, રીક્ષા-બસમાં છે કે ક્યાંક ફસાયેલી તે મુવમેન્ટ પણ એપમાં લાઈવ દેખાશે.
આ ઉપરાંત, યુવતીના લોકેશન અંગેનો મેસેજ પણ ગ્રૂપના સભ્યોને ઈમેલ થકી મળશે. આ રીતે પોલીસ, મહિલા હેલ્પલાઇનની ટિમ, ગ્રેન્સના સભ્યો કે પરિવારના સભ્યો મહિલાની વ્હારે આવી શકશે. આમ, ડિજિટલાઇઝેશનના આ સમયમાં વુમન સેફટી માટે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડવાનો દેશમાં સૌપ્રથમ વખત પ્રયોગ થયો છે.
એન્ડ્રોઇડ આ એપ્લિકેશનમાં એવું મહત્વનું ફીચર્સ ઉમેરવામાં આવ્યું છે કે, ઈમરજન્સીમાં પેનિક બટન દબાવ્યા બાદ મહિલા કે યુવતી જ્યાં સુધી SAFE બટન ક્લિક નહિ કરે ત્યાં સુધી તે યુવતીની આસપાસના તમામ પ્રકારના વોઇસ રેકોર્ડિંગ સ્ટાર્ટ થઇ જશે. જે રેકોર્ડિંગનો બાદમાં પુરાવા તરીકે પણ ઉપયોગ થઇ શકશે.
ગ્રેન્સ વુમન સેફટી ગ્રૂપના કોમ્યુનિકેશન મેનેજર જીતેન્દ્ર ગજ્જરે જણાવ્યું કે, આ એન્ડ્રોઇડ એપ્લિકેશન 1 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી અને છ મહિનાથી આ એપ ફૂલ ફલેજડમાં ચાલી રહી છે. ગત નવેમ્બર મહિના સુધીમાં આ ગ્રૂપમાં દેશભરમાંથી 62 હજાર લોકો જોડાયા હતા. જોકે, હૈદરાબાદમાં જે ઘટના બની ત્યારબાદ લોકોમાં જાગૃતિ આવી છે. છેલ્લા એક માસમાં જ આ એપમાં સભ્યોની સંખ્યા વધીને 1.25 લાખ પર પહોંચી ગઈ છે.

આ ગ્રૂપમાં સભ્યોની સંખ્યા 1.25 લાખ છે. જે પૈકી 90 હજાર સભ્યો તો માત્ર ગુજરાતના જ છે. જેમાં અમદાવાદના 80 હજાર, સુરતના 8 હજાર, વડોદરામાં 5 હજાર અને રાજકોટમાં 4 હજાર સભ્યોનો સમાવેશ થાય છે. રાજ્યમાં ઝોન પ્રમાણે ટિમ પણ બનાવાઈ છે. ઉત્તર ગુજરાત, સાઉથ ગુજરાત, મધ્ય ગુજરાત કચ્છ, સૌરાષ્ટ્ર ઝોન એમ ટિમ બનાવાઈ છે. જે દરેક ટીમમાં 5-7 સક્રિય સભ્યો બનાવાયા છે. વુમન સેફટી ઉપરાંત આ એપ થકી મિસિંગ ચાઈલ્ડ, રક્તની ખેંચ જેવી મેડિકલ ઈમરજન્સીમાં પણ મદદ મળી રહેશે.
આ ડિજિટલ ગ્રુપ રાજ્યના પૂર્વ ડીજીપી ગીથા જોહરીની આગેવાનીમાં બનાવાયું છે. જોહરી આ ગ્રૂપના પ્રેસિડન્ટ છે. આ અંગે તેઓ જણાવે છે કે, ‘સ્માર્ટ ફોન યુઝર્સ આ એપ ડાઉનલોડ કરી શકશે. આ એપમાં રજીસ્ટ્રેશન બાદ મુશ્કેલ પરિસ્થિતિમાં મહિલાઓ એક ક્લિક કરશે તો પોલીસ, 181, પરિવારના સભ્યો અને ગ્રૂપના સભ્યોને મેસેજ મળી શકશે. હાલ આ ડિજિટલ એપ અંગે પોલીસ સાથે સંકલન સાધવાના પ્રયાસો થઇ રહ્યા છે એમ પણ તેમણે જણાવ્યું’.
