નવો મોટર વ્હિકલ કાયદો લાગૂ થયા બાદથી અફવા ફેલાય રહી છે કે અડધી બાયનું શર્ટ અને લૂંગી-બનિયાન પહેરીને ગાડી ચલાવવા પર મેમો ફડાઇ રહ્યો છે. તે મામલે કેન્દ્રીય રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીના કાર્યાલયે ટ્વીટ કરી જાહેર કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ઓફિસના ટ્વીટર હેન્ડલથી એક ટ્વીટ કરવામાં આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે અફવાઓથી સાવધાન નવા મોટર અડધી બાયની શર્ટ પહેરીને ગાડી ચલાવવા અને લૂંગી બનિયાનમાં ગાડી ચલાવવા પર મેમો ફાડવાનો કોઈ નિયમ નથી.
આ પહેલાં પણ નિતિન ગડકરીએ મેમોને લઇ અફવા ફેલાવા પર કેટલાંય પત્રકારોને ઘેર્યા હતા. તેમણે ટ્વીટ કરી હતી કે મને દુ:ખ છે, આજે ફરી આપણા મીડિયાના કેટલાંક મિત્રોએ રસ્તા સુરક્ષા કાયદા જેવા ગંભીર વિષયને મજાક બનાવી છે. મારું સૌને આહ્વાન છે કે લોકોની જિંદગી સાથે જોડાયેલ આ ગંભીર મુદ્દા પર આ પ્રકારની ખોટી માહિતી ફેલાવીને લોકોમાં ભ્રમ ઉભો ના કરો.

નવો મોટર વ્હિકલ એક્ટ એક સપ્ટેમ્બરથી લાગૂ થયો છે. નિયમ અનુસાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડ ફટકારવાની જોગવાઇ કરાઇ છે. પહેલાંની સરખામણીમાં મેમાની રકમ 10 ગણી વધી ગઇ છે. જેને લઇ ઘણા વિવાદ પણ સર્જાઈ રહ્યા છે.
ઘણી વખત મેમાની રકમ થી લોકો હેરાન થઇ રહ્યા છે. તાજેતરમાં જ ઓરિસ્સાના સંબલપુરમાં એક ટ્રકનો 6 લાખ 53 હજાર 100 રૂપિયાનો મેમો ફાડ્યો હતો. આ ટ્રક નાગાલેન્ડની છે. ટ્રકના માલિકે જુલાઇ 2014 થી સપ્ટેમ્બર 2019 સુધીમાં ટેક્સની ચૂકવણી કરી નહોતી. આ ટ્રકની પરમિટ, પોલ્યુશન સર્ટિફિકેટ, અને ઇન્શયોરન્સ પણ નહોતો.
જ્યારે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ દંડની રકમમાં વધારાનો બચાવ કરતાં કહ્યું હતું કે દેશમાં દરવર્ષે રસ્તા અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકોના મોત થાય છે. આ દ્રષ્ટિથી આ નવા કાયદાનો હેતુ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાથી રોકવાના છે. જો કે ગુજરાત, પશ્ચિમ બંગાળ, અને ઝારખંડ જેવા રાજ્યોએ નવા મોટર વ્હિકલ કાયદાને લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મહારાષ્ટ્રે કેન્દ્રમાંથી દંડની રકમ પર ફરી વિચાર કરવાની અપીલ કરી છે.