સુરતમાં વધતા જતા કોરોના સંક્રમણમાં દર્દીઓને યોગ્ય સારવાર આપીને સારા કરવામાં કોરોના વોરિયર્સનો મહત્વનો ભાગ રહ્યો છે.કોરોના મહામારીની શરૂઆતથી સ્મીમેર હોસ્પિટલમાં ડોકટર્સ, સફાઈ કામદાર, વોર્ડબોય, આયા બહેન, નર્સિંગ સ્ટાફ, વહીવટી સ્ટાફ અને ઇન્ટર્ન વગેરે લોકોએ રજા લીધા વિના છેલ્લા 6 મહિનાથી કોરોના દર્દીઓની સારવાર માટે દિવસ રાત કામ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ઘણા કોરોના વોરિયર્સ કોરોનાગ્રસ્ત પણ થયા હતા. પરંતુ, તેઓએ હિંમત હાર્યા વગર કોરોનાને મહાત આપીને ફરી ફરજે જોડાઈ ગયા છે. આ મુશ્કિલ સમયમાં ઘણા કર્મચારીઓએ પોતાના પરિવારજનોને પોતાનાથી દૂર રહીને ફરજ બજાવી છે. આ લડાઈમાં માત્ર કોરોના વોરિયર્સ જ નહિ પણ તેમના પરિવાર દરેક સભ્યોએ પોતાનું યોગદાન આપ્યું છે.
કોરોના મહામારી દરમિયાન દરેક સ્વાસ્થ્ય કર્મીએ શારીરિક, માનસિક અને ભાવનાત્મક મુશ્કેલીઓ વેઠીને સેવા ધર્મને નિભાવ્યો છે. તેમના આ કાર્યનું સ્મૃતિચિહ્ન બનાવવાનું નક્કી કર્યું કે, જેમાં સૌની સરખી ભાગીદારી હોય અને સૌનું કોરોનાયોધ્ધા તરીકેનું કાર્ય લોકોના માનસ પર સદાય અંકિત રહે. જે માટે 74મા સ્વાતંત્ર્ય દિવસે “CARING HANDS“ અભિયાનને સર્વ સંમતિથી શરુ કરવામાં આવ્યું. આ અભિયાનમાં અંદાજે 800 ફૂટ લાંબા કાપડનાં પટ્ટા પર સ્મીમેરના 2500થી વધુ સ્વાસ્થ્યકર્મીઓએ વિવિધ ઇકોફ્રેન્ડલી કલરથી કોઈ પણ જાતના ભેદભાવ વગર હાથના પંજાની છાપ છોડી છે. જેને અનેક સ્થળે પ્રદર્શિત કરવાનું આયોજન કરવાનું છે.
આ પણ વાંચો : ગુજરાત સરકારની અનલોક-5ની ગાઈડલાઈન જાહેર
કોરોના વોરિયર્સે કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરી, મળમૂત્ર અને ઉલટીઓ સાફ કર્યા, કપડા બદલ્યા, જમાડ્યા, સારવાર આપી, સમયસર દવા આપી દર્દીઓને સ્વસ્થ કરીને તેમના પરિવાર સાથે મળાવ્યાં છે. તે હાથોની પ્રતિકાત્મક તસ્વીર, કોરોના વોરિયર્સનો પ્રેરણાત્મક સંદેશ, આરોગ્યકર્મીઓની ગૌરવની ગાથા ગાતું ગીત, બુલંદ જુસ્સો, હમ હારેગે નહી એના નુતન સંદેશની સાક્ષી એટલે “CARING HANDS“ છે. આ અભિયાન સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા અધિકારી અને નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, મેડીસીન વિભાગના એડીશનલ પ્રોફેસર ડો.દિપક શુકલા તથા ડો.નૈમેષ શાહના પ્રયત્નોથી આ અભિયાન સફળ નિવડયું છે.
