મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોને કોરોના વેક્સિનેશનના સુરક્ષા કવચથી આવરી લેવાની કામગીરીનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર શહેરની બોરીજ પ્રાથમિક શાળાએથી કરાવ્યો હતો
ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં આજે 16 માર્ચ બુધવારથી આ વેક્સિનેશન કાર્યવાહીનો આરંભ થયો છે. ગુજરાતમાં આ કામગીરી અંતર્ગત 12 થી 14 વર્ષની વયના 22.63 લાખ જેટલા બાળકોને કોવિડ-19 ની રસી આપવામાં આવશે.

રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્ષ નામની રસીના 23.05 લાખ ડોઝ ઉપલબ્ધ છે અને તે કોલ્ડ ચેઇન પોઇન્ટ સુધી પહોચાડવામાં આવ્યા છે. તેને 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર સ્ટોર કરવામાં આવે છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ વિકાસ વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગના સહયોગથી આ કોર્બેવેક્ષ વેક્સિનના ડોઝ પાત્રતા ધરાવતા તમામ બાળકોને અપાવાના છે.
વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોરીજ પ્રાથમિક શાળામાં આ વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા બાળકો સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યમાં આ કામગીરી આશરે 2 હજારથી વધુ રસીકરણ કેન્દ્રો પરથી 2500થી વધુ વેક્સિનેટર્સ દ્વારા પ્રથમ દિવસે હાથ ધરાવાની છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વેક્સિનેશન કામગીરીમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓની સાથે પણ વાતચીત કરી હતી. તેમણે ડોઝ અંગેની વિગતો મેળવી હતી. આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન માં સમગ્ર દેશ અને રાજ્યમાં 16 જાન્યુઆરી-2021 થી વિના મૂલ્યે કોવિડ-19 વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે.