સુરત જિલ્લામાંથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણ માટે સંપાદિત જમીન માટે ખેડુત ખાતેદારોને સાંસદશ્રી સી.આર.પાટીલ અને પૂર્વમંત્રી અને ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના હસ્તે બારડોલી તાલુકાના નિણત, નોગામા અને ભુવાસણ ગામના 28 ખેડુત ખાતેદારોને રૂ.42 કરોડના વળતરના ચેકો એનાયત કરીને વળતર આપવાનો પ્રારંભ કરાયો હતો.
જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજીત કાર્યક્રમ પ્રસંગે સાંસદ અને પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકારના પોઝીટીવ નિર્ણયના કારણે વડોદરા-મુંબઈ હાઈવે માટે સંપાદિત જમીનો માટે સુરત જિલ્લાના 32 ગામોના 1200 ખાતાઓના 5000 ખાતેદારોને 2200 કરોડનું સંતોષકારક વળતર મળી રહ્યું છે, જે આપવાની શરૂઆત કરવામાં આવી છે. ખેડુતોની માંગણીને ધ્યાને લઈ ૨૦૧૧ના વર્ષની જંત્રીને બદલે હાલમાં વળતરમાં ચાર ગણો વધારો કરીને ખેડુતોની માંગણી મુજબ સરકાર દ્વારા જંગી વળતર આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, વડોદરા-મુંબઈ હાઈવેના નિર્માણ માટે સુરત જિલ્લાની અંદાજીત જમીન સંપાદિત થનાર 612 હેકટર જમીન માટે ખેડુતોને કેન્દ્ર અને રાજય સરકાર તથા પૂર્વ મહેસુલમંત્રી કૌશિક પટેલ, જિલ્લા કલેકટર, જમીન સંપાદન અધિકારીઓ, ખેડુત સમન્વય સમિતિના સભ્યોના પ્રયાસોના પરિણામે ખેડુતોને તેમની જમીનનું યોગ્ય વળતર મળ્યું છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ, હાઈવેના પ્રોજેકટ ડાયરેકટર તુષાર વ્યાસ, નિવાસી અધિક કલેકટર ઝાલા, અગ્રણી સંદિપભાઈ દેસાઈ, જમીન સંપાદન અધિકારી મિતેષ પટેલ, ખેડુત સમન્વય સમિતિના મિતેશ નાયક તેમજ ખેડુત ખાતેદારો ઉપસ્થિત રહ્યા હતા.