એક તરફ સુરત એરપોર્ટ પર એક્સપાન્સનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ મોટી સંખ્યામાં ફ્લાઇટો રદ્દ થઈ રહી છે. અગાઉ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઘણી ફ્લાઇટો રદ્દ કરવામાં આવી હતી. જે પછી હવે એર ઈન્ડિયાની જુદા જુદા સેન્ટર પર જતી 32 ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ ટેકનિકલ કારણનું બહાનું આપી તા.23 ફેબ્રુઆરીથી લઇન 9મી માર્ચ સુધીની સુરત એરપોર્ટ પર આવતી જતી કુલ પાંચ જુદા જુદા સેક્ટરની 32 જેટલી ફ્લાઇટો રદ કરી દેતા હજારો મુસાફરો અટવાયા છે.
એક માહિતી મુજબ તા.23 અને 28 ફેબ્રુઆરી, 2, 7 અને 9મી માર્ચની સુરતથી કોલકાત્તા-ભૂવનેશ્વરની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. તા.23 અને 28 ફેબ્રુઆરી, 2, 7 અને 9મી માર્ચની સુરતથી દિલ્હીની ફ્લાઇટ પણ રદ કરી દેવાની ઘોષણા કરી દેવામાં આવી છે. આ સાથે જ તા.27 ફેબ્રુઆરી અને 6 માર્ચની સુરત ગોવા, સુરત હૈદરાબાદ અને સુરત દિલ્હીની પણ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે.

એર ઇન્ડિયાએ સુરત એરપોર્ટ પર આવતી અને જતી મળીને કુલ 32 ફ્લાઇટો રદ કરી દેવાની જાહેરાત આજે કરી છે. આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ રદ્દ કરવા પાછળ ગળે ઉતરે તેવું કોઇ કારણ આપ્યું નથી. ફક્ત ટેકનિકલ કારણથી રદ્દ એવું જણાવીને મોટા પાયે ફ્લાઇટ રદ્દ કરી દેવામાં આવતા અનેક મુસાફરોના બુકિંગ કેન્સલ થઇ ગયા છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટ કેન્સલ થવા અંગે ટાટા મેનેજમેન્ટ તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે, હાલમાં એર ઈન્ડિયાની સિસ્ટમ અપડેટ થઈ રહી છે. તેમજ ઘણી સેવાઓ પ્રભાવિત થઈ રહી છે જેમાં ઝડપથી સુધારો કરી રેગ્યુલર ફલાઈટ શરૂ કરવા માટે કંપની પ્લાનિંગ કરી રહી છે. આ માટે અન્ય કોઈ કારણ ન હોવાનું કંપની દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.