વર્લ્ડ કપ સમાપ્ત થયો પણ ભારતીય ટીમમાં મોટા ફેરફારની શંકા જોવા મળી રહી છે. સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડથી હારીને બહાર થયેલી ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે વિરાટ કોહલી પાસેથી વનડે અને ટી20ની કેપ્ટનશીપ લઈને રોહિત શર્માને આપવામાં આવે તેવી શક્યતા છે.
જ્યારે કોહલી ટેસ્ટના કેપ્ટન રહેશે. એટલું જ નહીં સમીક્ષા પછી ટીમમાં અન્ય પણ મોટા ફેરફાર થઈ શકે છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે, ટીમને સારી બનાવવા માટે ખૂબ ઝડપથી પરિવર્તનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેના માટે આ યોગ્ય સમય છે કે, રોહિત શર્મા 50 ઓવર ફોર્મેટની કેપ્ટનશીપ સંભાળી લે અને તે માટે માનસીક રીતે તૈયાર થઈ જાય. તે માટે વર્તમાન કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટે સમર્થન પણ જાહેર કર્યું છે.
આ પણ વાંચો : બેટિંગ ધૂરંધરો નિષ્ફળ રહ્યા ત્યારે જાડેજા અને ધોનીએ સેમિફાઇનલમાં લોકોના દિલ જીત્યા, જિજ્ઞા ગજ્જરની કલમે
બીજી તરફ અધિકારીએ સેમિફાઇનલમાં હાર બાદ હાલના કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે વિવાદ હોવાની વાત નકારી દીધી છે. અધિકારીએ જણાવ્યું કે, બીસીસીઆઈના સીઓએ પ્રમુખ વિનોદ રાય પણ કહી ચૂક્યા છે કે, ટૂંક સમયમાં જ એક સમીક્ષા બેઠક કરવામાં આવી છે. આ બેઠકમાં કોચ રવિ શાસ્ત્રી, કેપ્ટન વિરાટ કોહલી અને ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ હાજર રહેશે.
ભારતીય ટીમમાં લાંબા સમયથી ખેલાડીઓમાં ફેરફાર થતો જોવા મળતો રહે છે. અગાઉ પણ 2015ના વર્લ્ડ કપ પછી ધોની પાસેથી વનડે કેપ્ટનશિપ લઇ કોહલીને નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું. ત્યારે બોર્ડ ખેલાડીઓની સાથે અંતર ઊભું કરી રહ્યું હોય તેવું પણ કેટલાક લોકોનું માનવું છે.
આ પણ વાંચો : બેન સ્ટોક અને જેસન રોય જ નહીં, પણ ઇંગ્લેન્ડની ચેમ્પિયન ટીમના અડઘા ખેલાડીઓ વિદેશી છે,તમને વિશ્વાસ ન થશે પણ સત્ય છે !
આગામી સમયમાં બોર્ડ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે જોવાનો રહેશે. પણ ટીમ મેનેજમેન્ટ એક તરફ ધોનીના અંગે પણ કોઇ નિર્ણય કરી રહ્યું છે ત્યારે કોહલી અને રોહિત વચ્ચે કોઇ અંતર ન ઊભું કરે તો સારું.
