ભારત તરફથી કાશ્મીરમાં મોટી સંખ્યામાં જવાનો ખડકી દેવામાં આવ્યા છે એટલું જ નહીં અમરનાથ યાત્રા પણ રદ્દ કરવામાં આવી છે. ત્યારે સમગ્ર દેશમાં એક માત્ર સવાલ ચર્ચાઇ રહ્યો છે કે આખરે એવું તે કયું કારણ છે કે કેન્દ્ર સરકાર આટલા મોટા નિર્ણય લઇ રહી છે.
ઇમરાન ખાન સાથેની બેઠક બાદ ટ્રમ્પ બે વખત રાગ કાશ્મીર આલાપી ચુક્યા છે. સુરક્ષા નિષ્ણાતો મુજબ અમેરિકાને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની જરૂર છે. જો અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની મદદ જોઇતી હોય તો પાકિસ્તાનને સામે મદદ કરવી પડે. આ જ નીતિને અનુસરીને અમેરિકાએ કાશ્મીર મુદ્દામાં ઝંપલાવ્યું છે. ટ્રમ્પનું નિવેદન પણ રણનીતિનો એક ભાગ હતું. ઉપરાંત પાકિસ્તાનને ફરી સૈન્ય મદદ આપવાની શરૂઆત કરી. પાકિસ્તાન પણ કાશ્મીર મુદ્દે અમેરિકાનો ટેકો ઇચ્છતું હતુ.
શું આ બધા પાછળ ક્યાંક અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી શાંતિ મંત્રણા તો નથી ને ?
અગાઉના અમેરિકન રાષ્ટ્રપ્રમુખો આ મુદ્દાથી દૂર રહેતા હતા. પરંતુ ટ્રમ્પ બે વખત કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની વાત કરી ચુક્યા છે. જાણકારોનું કહેવું છે કે ભારતને અફઘાનિસ્તાનમાં સૈન્ય મદદ માટે કહી ચુક્યું છે. પરંતુ ભારતે અફઘાનિસ્તાનમાં સૈન્ય મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી આડકતરી રીતે અમેરિકા કાશ્મીરનો મુદ્દો છેડીને ભારતનું નાક દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીના ટ્વિટથી જાણકારોની આશંકાને બળ મળ્યું હતુ. સ્વામીએ ટ્વિટ કરીને લખ્યું કે અમેરિકા અફઘાનિસ્તાન છોડવા માટે આતુર છે. જેથી તે તાલિબાનની સાથે એક સમજૂતી ઇચ્છે છે. પરંતુ તે વાતથી વ્યથિત છે કે ભારતે અફઘાનિસ્તાનમાં સૈનિકો મોકલવાનો ઇન્કાર કરી દીધો. જેથી અમેરિકા પોતાની વાપસી માટે તાલિબાનને મનાવવા માટે પાકિસ્તાન સાથે મંત્રણા કરી રહ્યું છે. જેના બદલામાં તે કાશ્મીરમાં પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે. તેથી સાવધાન રહેવું.
નિષ્ણાતો પ્રમાણે અમેરિકાની ડર્ટી ગેમના પેટાળમાં બે મુખ્ય બાબતો ધરબાયેલી છે. એક તો પાકિસ્તાન દ્વારા તાલિબાનને મનાવવાનું અને બીજુ છે કે જમ્મુ-કાશ્મીરને એવા મુદ્દામાં તબ્દીલ કરવું કે જેનાથી ગ્લોબલ ડિપ્લોમસી કાબુલથી શ્રીનગર તરફ ફંટાઇ જાય. તમામ લોકો જાણે છે કે તાલિબાન અમેરિકાના ભેજાની અને પાકિસ્તાનના ગર્ભની ઉપજ છે.
જો કે ટ્રમ્પ સરકારને લાગે છે કે પાકિસ્તાન જ અફઘાનિસ્તાન-તાલિબાન શાંતિ મંત્રણામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. સંભવતઃ અફઘાનિસ્તાનની મદદના બદલામાં થયેલી સોદાબાજીમાં અમેરિકા તરફથી પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે છૂટોદોર મળ્યો હોઇ શકે છે. આ જ કારણોસર ભારતે પૂર પહેલા પાળ બાંધવાની તૈયારી કરી લઇને જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ બગડતી અટકાવવાના પ્રયાસ શરૂ કર્યા છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.