એક તરફ સમગ્ર વિશ્વમાં રશિયા અને યુક્રેન વચ્ચેના તનાવ પૂર્ણ પરિસ્થિતિના કારણે ચિંતા છે ત્યારે આર્થિક મોર્ચે પણ તમામ દેશોની મુશ્કેલી વધી રહી છે. . યુરોપિયન દેશોએ રશિયા સાથે છેડો ફાડ્યા બાદ અમેરિકા અને વિશ્વના અન્ય દેશો પણ અનેક પ્રતિબંધો લાદી રહ્યાં છે ત્યારે આપણે સમજવું જોઇએ કે ભારતનો રશિયા અને યુક્રેન સાથેનો વેપાર કેટલો છે અને ભારતને કેટલું નુકશાન થઈ શકે છે કે કેટલો ફાયદો થઈ શકે છે.

રશિયા અને યુક્રેન અબજો રૂપિયાનો વેપાર
નિકાસકારોના સંઘ ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સ (FIEO)એ જણાવ્યું હતું કે યુક્રેન-રશિયા લશ્કરી કટોકટી માલની અવરજવર, ચૂકવણી અને તેલની કિંમતોને અસર કરશે અને પરિણામે તે દેશના વેપારને પણ અસર કરશે. ભારત અને રશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં $9.4 બિલિયન રહ્યો છે. આ પહેલા, છેલ્લા નાણાકીય વર્ષ 2020-21માં, તે $ 8.1 બિલિયન હતું.
ભારતની અસર
ભારત મુખ્યત્વે ઇંધણ, ખનિજ તેલ, મોતી, કિંમતી અથવા અર્ધ કિંમતી પથ્થરો, પરમાણુ રિએક્ટર, બોઇલર, મશીનરી અને યાંત્રિક સાધનોની રશિયા પાસેથી આયાત કરે છે. તે જ સમયે, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, પાવર મશીનરી અને સાધનો, કાર્બનિક રસાયણો અને વાહનો રશિયામાં નિકાસ કરવામાં આવે છે.

યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલામાં સ્થિતિ લાંબો સમય સુધી ગંભીર રહે તો ભારતના આ વ્યાપારને નુકસાન થાય, અટકી પડે અથવા તો તેમાં ઘટાડો જોવા મળી શકે છે. ભારતની કુલ આયાતમાં યુક્રેનનો હિસ્સો ૦.૫૬ ટકા જેટલો છે એટલે ભારત માટે આમ મોટી ચિંતા નથી પણ ભારતની કુલ આયાતમાં કેટલીક ચીજોમાં યુક્રેનનો હિસ્સો બહુ મોટો છે એટલે તેમાં ક્ષણિક રીતે મોટો ફટકો પડે તેવી શક્યતા છે.