દેશમાં કોરોના કેસની સંખ્યા જે રીતે ઘટી રહી છે તે જોતાં ઘણાં નિયમો હળવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોને જાગૃત કરવા માટે જે કોલર ટ્યુન વાગતી હતી તે નજીકના ભવિષ્ય ઇતિહાસ બની શકે છે. એટલે કે બની શકે છે કે નજીકના ભવિષ્યમાં આ કોરોના કોલર ટ્યુન ફોન કરતા પહેલા સાંભળવી નહીં પડે.
લગભગ બે વર્ષ સુધી કોરોના વાયરસ સામે જાગૃતિ ફેલાવવા માટે પ્રિ-કોલ સંદેશ આપવામાં આવતો હતો. આ કોલર ટ્યુનના લીધે ઘણી વખત લોકો સાથે એવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે કે ઈમર્જન્સી હોય છતાં તેમણે સામેવાળી વ્યક્તિના ફોન કર્યા પછી કોરોનાની જાગૃતિનો સંદેશ સાંભળવો પડે છે.
આ અંગે એક મળતી વિગતો પ્રમાણે ટેલિકોમ વિભાગ દ્વારા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં પ્રિ-કોલ અનાઉન્સમેન્ટ અને કોલર ટ્યુનને અટકાવવા માટે જણાવાયું છે. જોકે, આ અંગે હજુ સુઘી કોઈ સત્તાવાર આદેશ આપવામાં આવ્યા નથી. નોંધનીય છે કે કોરોનાના કેસમાં ઘટાડો થતા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 દૂર કરવાનો નિર્ણય કર્યો છે.

નોંધનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળેલા આદેશો બાદ ટેલિકોમ વિભાગે કોલર ટ્યુન લાગુ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોરોના વાયરસ સામે લડવા માટે જાગૃતિ ફેલાવવાની સાથે આ કોલર ટ્યુનમાં રસીને લગતી વિગતો પણ આપવામાં આવે છે. લગભગ 21 મહિના સુધી આ કોલર ટ્યુન દ્વારા લોકોમાં કોરોનાની ગંભીરતા અંગે સમજ આપવામાં આવી પરંતુ હવે સ્થિતિમાં મોટો સુધારો થતા તેની જરુર ન હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ભારતમાં કોરોનાના કેસ
ભારતમાં કોરોનાના નવા કેસમાં મોટો ઘટાડો થયો છે, પાછલા 24 કલાકમાં દેશમાં 1,270 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસનો આંકડો ઘટીને 15,859 થઈ ગયો છે. ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે કુલ 1,83,26,35,673 ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા આગામી સમયમાં વધુ કેટલાક જરુરી પગલા ભરવામાં આવી શકે છે.