આખી દુનિયા હાલમાં કોરોના સામે જંગ લડી રહી છે અને મોટા ભાગના દેશો આ વાયરસના ફેલાવા માટે ચીનને જવાબદાર માની રહ્યા છે. હવે આ મહામારીને લઈને ચીનની ભૂમિકાની તપાસ કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના બે એક્સપર્ટ ચીન પહોંચ્યા છે.
આ બંને એક્સપર્ટ કોરોના વાયરસ ક્યાંથી અને કેવી રીતે ફેલાયો છે તે અંગેની તપાસ કરશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચૂનયિંગે આ અંગેની માહિતી આપી છે. એક રિપોર્ટ પ્રમાણે ચીનના વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે કે ચીનના વૈજ્ઞાનિકો અને ચિકિત્સાના એક્સપર્ટ્સ WHOના એક્સપર્ટને સંપૂર્ણ રીતે મદદ કરશે અને તેમના દરેક સવાલના જવાબ આપશે.

ચીનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે WHOના એક્સપર્ટ્સે બીજા દેશોની પણ મુલાકાત લઈને આવી તપાસ કરવી જોઈએ. વાયરસના મૂળ સુધી પહોંચવા માટેની તપાસ ચાલુ છે અને તેમાં બીજા ઘણા દેશોને સામેલ કરવામાં આવી શકે છે અથવા તે દેશોની મુલાકાત પણ કરવામાં આવી શકે તેમ છે.
WHOના હેટ ટેડ્રોસ એડહાનોમે ગયા મહિને જ કહ્યું હતું કે, વાયરસના મૂળને જાણવા ઘણા જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, જો વાયરસના મૂળ અંગે ખબર પડે તો હાલના પરિસ્થિતિ સામે લડવામાં ઘણી મદદ મળી શકે છે.

મોટાભાગની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ વાયરસ પ્રાણીઓમાંથી મનુષ્યને લાગ્યો છે. ઘણા રિપોર્ટ્સમાં ચીનના વુહાનના જાનવરોના માર્કેટમાંથી આ વાયરસ ફેલાયો હોવાની આશંકા જતાવવામાં આવી છે.
ડિસેમ્બર 2019માં ચીનમાં સૌ પ્રથમ વખત આ વાયરસનો કેસ જોવા મળ્યો હતો અને તેના પછી દરેક દેશ કોરોનાના ફેલાવા માટે ચીનને જ જવાબદાર ઠેરવી રહ્યા છે. WHOમાં પણ અમેરિકા સહિત ઘણા દેશોએ ચીન વિરુદ્ધ સખત પગલાં લેવાની માગણી કરી છે.
