કેન્દ્ર સરકારે મંગળવારે લોક સભામાં જણાવ્યું હતું કે જાહેર હિતમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ કાયદા મુજબ ડિજિટલ સ્વરૂપની કોઈપણ માહિતીને આંતરવાની, નિરિક્ષણ કરવાની અને તેને ડીક્રિપ્ટ કરવાની સત્તા ધરાવે છે. વોટ્સએપ, ફેસબૂક, મેસેન્જર, વીબર અને ગૂગલ કોલ્સ અને મેસેજીસ પરથી પેગાસસ વાયરસ મારફત સરકારે જાસૂસી કરાવી હતી કે કેમ તે અંગે વિપક્ષના નેતાએ સવાલ કરતા રાજ્ય કક્ષાના મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કાયદો કમ્પ્યુટરમાં મોકલાયેલી, મેળવાયેલી અથવા રખાયેલી કોઈ પણ માહિતી આંતરવાની સત્તા આપે છે.
જોકે, સત્તાવાર એજન્સીઓ કાયદાની ચોક્કસ પ્રક્રિયાને અનુસરીને જ અને નિયમોમાં પૂરા પડાયેલા સેફગાર્ડ્સના અનુસંધાનમાં જ ફોન કોલ અથવા ડિજિટલ માહિતીને આંતરી શકે છે.

કિશન રેડ્ડીએ સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકાર ભારતની સંપ્રભૂતા અથવા અખંડતા, રાજ્યની સલામતી, વિદેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો અથવા જાહેર હિતોને ધ્યાનમાં રાખીને કોઈપણ ડિજિટલ માહિતીને આંતરી શકે છે, તેનું નિરિક્ષણ કરી શકે છે અને મેળવી શકે છે.
આ માટે કોઈપણ સરકારી એજન્સીને સર્વવ્યાપક મંજૂરી અપાઈ નથી. કેન્દ્ર સરકારના કિસ્સામાં કેબિનેટ સચિવ અને રાજ્યના કિસ્સામાં મુખ્ય સચિવના અધ્યક્ષપદે એક સમિતિ દ્વારા પ્રત્યેક કિસ્સાની સમિક્ષા કરવામાં આવે છે.
