સુરતમાંથી પસાર થતી તાપી નદીને રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ માટે સપ્ટેમ્બર 2016માં સુરત મહાનગર પાલિકા દ્વારા 44 કરોડ રૃપિયાનો પ્રોજેક્ટ મંજુર કરીને તેમાંથી 21 કરોડ રૃપિયાના ખર્ચે રાંદેર ઝોન વિસ્તારમાં રિવર ફ્રન્ટની કામગીરી પુરી કરવામા આવી છે. કોન્ટ્રાકટ મુજબ ફેબ્રુઆરી 2017થી રિવર ફ્રન્ટ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે અડધી કામગરીએ રિવર ફ્રન્ટ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. આ રીવર ફ્રન્ટ ડેવલપ થવાને બદલે ખંડેર બની જતા ઈજારેદારને બ્લેક લિસ્ટ કરવા રજૂઆત કરવામાં આવી હતી .

આ રિવર ફ્રન્ટમાં લોકોના મનોરંજન માટે રાઈડસ તથા સ્ટોલ બનાવી રિવર ફ્રન્ટના નિભાવ-જાળવણી અને સંચાલન માટે પરછાઈ એક્ઝીબીટર્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ટેન્ડરની શરત પ્રમાણે ઈજારદારે છ માસમાં પ્રોજેકટ તૈયાર કરીને લોકો ઉપયોગ કરી શકે તેમ કરવાનું હતું. જોકે, કામગીરી ન થતાં ઈજારદારે સમય મર્યાદા નવેમ્બર ૨૦૧૮થી કરવા માટે સમય માગ્યો તે પણ મ્યુનિ. તંત્રએ આપી દીધો હતો.

આ રિવર ફ્રન્ટને ડેવલપ કરવા માટે ડે. મેયર નિરવ શાહે અગાઉ રજુઆત કરી હતી છતાં કામગીરી શરૃ ન થતાં બેદરકારી બદલ ઈજારદાર પરછાઈ એક્ઝીબીટર્સને બ્લેક લિસ્ટ કરીને નવા ઈજારદારને કામગીરી કરવા માટે મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરી છે. તંત્ર અને ઈજારદારની બેદરકારીના કારણે રિવર ફ્રન્ટ પ્રોજેકટ હજી શરૃ થઈ શક્યો ન હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી હોવા ઉપરાંત મ્યુનિ.ની ઈમેજને પણ ધક્કો પહોચી રહ્યો છે.

રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ માટેના કોન્ટ્રાક્ટર પરછાઈ એક્ઝીબીટર્સે મ્યુનિ.ને દર મહિને રૂ। 2.20 લાખની રોયલ્ટી આપવાનું નક્કી કર્યું હતું. શરૂઆતના પાંચેક મહિના રોયલ્ટી મળ્યા બાદ એપ્રિલથી જુન 2019 દરમિયાન રૂ.7.14 લાખના રોયલ્ટીના ત્રણ ચેક રિટર્ન થયા છે. તે અંગે મ્યુનિ.એ માત્ર નોટિસ આપી છે. કોઈ નક્કર કાર્યવાહી કરી નથી.
