ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. જેની જાહેરાત મહેન્દ્રસિંહ ધોનીએ 15મી ઓગસ્ટની સાંજે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કરી છે. તેમણે સ્વતંત્રતા દિવસની સાંજે આઘાતજનક નિર્ણય દ્વારા વનડે અને ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. પરંતુ, તે આઈપીએલ રમવાનું ચાલુ રાખશે.

આ કારણે 15મી ઓગસ્ટની તારીખ કરી પસંદ
લોકોના મનમાં સવાલ થઇ રહ્યા છે કે, શા માટે ધોનીએ નિવૃત્તિ માટે 15મી ઓગસ્ટની તારીખ પસંદ કરી. આ વિશે ધોનીના મેનેજર મિહિર દિવાકરે કહ્યું કે, ધોનીની કારકિર્દી ભારતીય ક્રિકેટ માટે જ હતી અને તે સાચો દેશભક્ત છે. માટે નિવૃત્તિ માટે આથી મોટો દિવસ કયો હોઈ શકે. આ અગાઉ તેઓ નિવૃત્તિ વિશે વિચારી રહ્યા હતા પરંતુ, તારીખ નક્કી કરી નહોતી. હવે, મહેન્દ્રસિંહ ધોનીની મુખ્ય પ્રાથમિકતા IPL છે. હાલમાં એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે, ધોની 2020માં યોજાનારા ટી20 વર્લ્ડ કપમાં જોવા મળશે પરંતુ કોરોનાને કારણે આ ટુર્નામેન્ટ ઓક્ટોબર 2021 સુધી મુલતવી રાખવામાં આવી છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે કેમ્પમાં જોડાતા પહેલા જ નિવૃત્તિ જાહેર કરી દિધી છે.
આ પણ વાંચો : સુરતમાં ખાડીઓના લેવલ ઘટતા ધીરે-ધીરે નીકળી રહ્યું છે પાણી, પરંતુ લાગી શકે છે આટલો સમય
આ 15 ઓગસ્ટના રોજ જાહેર કરેલીનિવૃત્તિ અગાઉ તે 2014માં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી ચૂક્યો છે. તેમજ ધોનીએ ઓસ્ટ્રેલિયા સામે બોક્સિંગ ડે ટેસ્ટ રમ્યા બાદ નિવૃત્તિ જાહેર કરી હતી. આ ઉપરાંત 2017માં તેણે કપ્તાન તરીકે રાજીનામું પણ આપ્યું હતું. આ વિશે એક રસપ્રદ વાત એ છે કે, તેણે આ રાજીનામાની જાહેરાત કોઈ પણ પ્રકારના પ્રેસ કોન્ફરન્સ વગર કરવામાં આવી હતી.
